વડોદરામાં ખાખીને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં જવાહરનગર પોલીસ મથકના PSI ઝવેરી સામે ગંભીર આક્ષેપો થયા છે. વર્ષ 2025ના ઓક્ટોબર મહિનામાં ઇનાયત નામના વ્યક્તિના ભાઈનો કોઈ સાથે ઝઘડો થયો હતો, જે મામલે કાયદેસરનો કેસ નહીં કરવાના બદલામાં પોલીસકર્મીઓએ મોટી રકમની માંગણી કરી હતી. આક્ષેપ છે કે PSI ઝવેરી અને અન્ય બે પોલીસકર્મીઓએ મળીને કુલ દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસની આ ઉઘાડી લૂંટ સામે ઇનાયતે હિંમત બતાવી 'સ્ટિંગ ઓપરેશન' કરી પોલીસના ભ્રષ્ટ ચહેરાને ખુલ્લો પાડ્યો છે.
PSI લાંચ લેતા કેમેરામાં કેદ
આ સ્ટિંગ ઓપરેશનમાં ઇનાયતે 75 હજાર રૂપિયાની લાંચ આપતા હોય તેવા દ્રશ્યો કેદ કરી લીધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇનાયતના આક્ષેપ મુજબ, અગાઉ પણ પૈસા લીધા હોવા છતાં વધુ નાણાંની માંગણી કરવામાં આવતી હતી, જેને પગલે તેમણે પુરાવા સાથે આ હિંમતભર્યું કદમ ઉઠાવ્યું છે. વડોદરા પોલીસ વિભાગમાં PSI કક્ષાના અધિકારી સામે થયેલા આ સ્ટિંગ અને લાંચના આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધો છે. હવે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેવી તપાસ કરવામાં આવે છે અને ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર ટકી છે.













