વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સેગવા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ક્ષણિક આવેશમાં આવીને 41 વર્ષીય આધેડે કેનાલમાં કૂદીને મોતને વ્હાલું કર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઝઘડો કરી ઘરેથી નીકળ્યા બાદ આત્મઘાતી પગલું
ઘટનાની મળતી વિગતો અનુસાર, સેગવા ગામના રહેવાસી 41 વર્ષીય દિનેશભાઈ પરમારે પોતાની પત્ની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, પત્નીએ રૂપિયા આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ દિનેશભાઈ ગુસ્સામાં ઘરેથી નીકળી ગયા હતા અને સેગવા-સીમળી પાસેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલ પર પહોંચ્યા હતા.













