વડોદરામાં નશાના સોદાગરો વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મોટી સફળતા મેળવી છે. વડોદરા રેલવે સ્ટેશન પર હાથ ધરવામાં આવેલા એક ગુપ્ત ઓપરેશન દરમિયાન SMC ની ટીમે ડ્રગ્સ સપ્લાયર અમ્રિતસિંઘ માલ્હીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી અંદાજે 49 લાખ રૂપિયાની કિંમતનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ મોટા પાયે નશાનો જથ્થો લઈને રેલવે માર્ગે વડોદરા આવી રહ્યો છે, જેના આધારે વોચ ગોઠવીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ડ્રગ્સ સપ્લાયર ભાગવા જતાં ઇજાગ્રસ્ત
ધરપકડ દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પોલીસને જોઈને ડ્રગ સપ્લાયર અમ્રિતસિંઘે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને રેલવે સ્ટેશનની દિવાલ કૂદીને નાસવા જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે, સતર્ક પોલીસ જવાનોએ તેને તુરંત કોર્ડન કરી લીધો હતો અને ઇજાગ્રસ્ત હાલતમાં જ તેને ઝડપી પાડ્યો હતો. હાલ SMC એ 49 લાખનું હેરોઇન કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ ડ્રગ્સનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે.













