વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા સારાભાઈ કેમ્પસમાં દારૂના નશામાં ધૂત એક મહિલા ચાલકે અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ છે. આ મહિલા ફૂલ સ્પીડમાં કાર હંકારી રહી હતી, તે દરમિયાન અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી દીવાલ સાથે જઈ અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ જોયું કે મહિલા એટલી હદે નશામાં હતી કે તેને ભાન પણ નહોતું, જેને પગલે હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વડોદરા પોલીસની કડક કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ ગોરવા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તપાસ કરતા મહિલા દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્પષ્ટ જણાતા તેની અટકાયત કરવામાં આવી હતી. વડોદરામાં વધી રહેલા ડ્રિંક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓને ગંભીરતાથી લઈ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની બેદરકારીથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાતા હોવાથી પોલીસ હવે આ કેસમાં કડક દાખલો બેસાડવાની તજવીજ કરી રહી છે.













