સુરતના ન્યૂ સિટીલાઇટ સ્થિત આશીર્વાદ એસ્ટેટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 'સંદેશ' પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે ભવ્ય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ, આ વર્ષે પણ દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા વિશેષ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અવસરે આકાશમાં માત્ર પતંગો જ નહીં, પરંતુ આ બાળકોના અદમ્ય ઉત્સાહ અને સપનાઓની પણ ઊંચી ઉડાન જોવા મળી હતી.
બાળકો માટે એક યાદગાર પિકનિક
ખુશીઓ અને કસરતનો સુમેળ આ પતંગોત્સવ માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ આ બાળકો માટે એક યાદગાર પિકનિક સમાન બની રહ્યો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, પતંગ ચગાવવાની પ્રક્રિયા દરમિયાન બાળકોની શારીરિક કસરત પણ થાય છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. દક્ષેશ માવાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, સંદેશ પરિવાર હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે અગ્રેસર રહ્યો છે અને આવા સામાજિક કાર્યો દ્વારા સમાજમાં એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડે છે.













