સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ખાણી-પીણીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા અચાનક રેડ કરીને મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને પાણીપુરીના વિક્રેતાઓ દ્વારા ગંદકી વચ્ચે અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોવાની બૂમો ઉઠતા પાલિકાની ટીમે સપાટો બોલાવ્યો હતો. આ દરમિયાન અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
અખાદ્ય સામગ્રી અને દૂષિત પાણીનો નિકાલ
રાંદેર વિસ્તારમાં આવેલી પાણીપુરીની અલગ-અલગ લારીઓ પર તપાસ દરમિયાન આરોગ્ય વિભાગને ચોંકાવનારી વિગતો મળી હતી. અનેક લારીઓ પર પાણીપુરીમાં વપરાતા પાણીની ગુણવત્તા અત્યંત ખરાબ અને બિનઆરોગ્યપ્રદ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત, પાણીપુરીમાં ભરવામાં આવતા બટાકાના માવામાં પણ દુર્ગંધ અને વાસી હોવાનું જણાતા, અધિકારીઓએ સ્થળ પર જ તમામ અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો.













