વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રેંટલાવ ગામ પાસે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોના કાળજા કંપી ઉઠ્યા છે. ગત બીજી ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં એક યુવક શાંતિથી રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ કારે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવક હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને કારચાલક યુવકને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર મૂકીને નાસી છૂટ્યો હતો.


યમદૂત બનીને આવી કાર

આ અકસ્માતમાં ભોગ બનનાર યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પારડી પોલીસે કારચાલકની ઓળખ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સીસીટીવીના આધારે કારના નંબર અને ચાલકની ભાળ મેળવવા અલગ-અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. માર્ગો પર વધતા જતા આવા બેફામ વાહનચાલકોને કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાતા હોવાથી લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Surat News : દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગ પર સંકટ, શેરડીનું ઉત્પાદન ઘટતા પિલાણ વહેલું બંધ થવાની ભીતિ

  • Follow us on: