દક્ષિણ ગુજરાત, જે રાજ્યનો 'સુગર બાઉલ' ગણાય છે, ત્યાં આ વર્ષે શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સ્થિતિને કારણે સુગર ફેક્ટરીઓમાં શેરડીનું પિલાણ નિર્ધારિત સમય કરતાં ઘણું વહેલું બંધ કરવાની નોબત આવી શકે તેમ છે. સુરત શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શેરડીનું વાવેતર અને ઉત્પાદન બંને ઘટ્યા છે, જેની સીધી અસર ખાંડના ઉત્પાદન અને સહકારી માળખા પર પડી શકે છે. ખેડૂત નેતા જયેશ પટેલે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ખેતીની જમીન સતત ઘટી રહી છે અને ઉદ્યોગો તેમજ રહેણાંક હેતુ માટે મોટા પાયે જમીનો ફાળવવામાં આવી રહી છે.


ખેતીની જમીન કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ

ઉત્પાદનમાં ઘટાડા પાછળના મુખ્ય કારણો રજૂ કરતા જયેશ પટેલે ઉમેર્યું કે, અંદાજે બે લાખ એકર જેટલી ફળદ્રુપ જમીન NA (બિનખેતી) થઈ ગઈ છે, જેના કારણે શેરડીના વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, ગ્લોબલ વોર્મિંગની અસરો પણ ખેતી પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અનિયમિત વરસાદ અને તાપમાનમાં ફેરફારને લીધે શેરડીના ઉતારા (રિકવરી) પર પણ અસર પડી છે. જો જમીન બિનખેતી થવાનો સિલસિલો આ જ રીતે ચાલુ રહેશે અને પર્યાવરણના ફેરફારો સામે યોગ્ય આયોજન નહીં કરવામાં આવે, તો આગામી દિવસોમાં ખાંડ ઉદ્યોગ માટે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે તેવું પણ તેમણે સૂચવ્યું હતું.

આ પણ વાંચો : શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો જૂનાગઢ પ્રવાસ, શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ શિક્ષણ સ્તરની સમીક્ષા કરી

  • Follow us on: