સુરત શહેરના વરાછા વિસ્તારમાં પાટીદાર પરિણીતાના આપઘાત કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા પતિ, સાસુ, સસરા અને નણંદ સહિત પરિવારના કુલ 5 સભ્યોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પરિણીતાને તેના સાસરી પક્ષ દ્વારા લાંબા સમયથી શારીરિક અને માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું. પરિણીતા પર એ હદે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા કે તેને તેના પિયર પણ જવા દેવામાં આવતી નહોતી. સાસરીયાઓના અસહ્ય ત્રાસ અને સતત થતી હેરાનગતિથી કંટાળીને અંતે પરિણીતાએ મોતનો માર્ગ પસંદ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.
વરાછા સુસાઈડ કેસ
આ કેસમાં વરાછા પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને દબોચી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી સાસુ અને નણંદને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યા છે. પિયર પક્ષના આક્ષેપો અને પરિણીતાની મજબૂરીની કથા સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે જેથી પીડિત પરિવારને ન્યાય મળી શકે અને જવાબદારોને કડકમાં કડક સજા થાય.













