સુરતના ઉન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસમાં એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં પાંચમા માળેથી એક ત્રણ વર્ષની માસૂમ બાળકી નીચે પટકાઈ હોવા છતાં તેનો જીવ બચી ગયો છે. આ ઘટના જોઈને સ્થાનિકોમાં એક જ ચર્ચા છે કે 'રામ રાખે તેને કોણ ચાખે'.
બાળકી પાંચમા માળેથી નીચે પટકાઈ
ઉન સ્થિત ભેસ્તાન આવાસમાં રહેતા પરિવારની 3 વર્ષની બાળકી નિકી શ્યામનાથ પંડિત રમતા-રમતા અચાનક પાંચમા માળેથી નીચે પટકાઈ હતી. પાંચમા માળ જેવી ઊંચાઈએથી બાળકી નીચે પડતા જ આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, નીચે પડ્યા બાદ પણ બાળકીનો શ્વાસ ચાલુ હોવાથી કુદરતે તેને નવજીવન આપ્યું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.
તત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ
બાળકી નીચે પટકાતા જ પરિવારજનો અને આડોશ-પાડોશના લોકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી નિકીને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલમાં બાળકી ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલી રહી છે.
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
આ ઘટનાએ સમગ્ર સુરતમાં ચકચાર મચાવી છે, પરંતુ સાથે-સાથે બહુમાળી ઇમારતોમાં રહેતા માતા-પિતા માટે એક ગંભીર લાલબત્તી પણ સમાન છે.નાના બાળકોને બાલ્કની કે બારી પાસે ક્યારેય એકલા ન છોડવા જોઈએ. બારીઓ અને બાલ્કનીમાં સેફ્ટી ગ્રીલ હોવી અત્યંત અનિવાર્ય છે.માતા-પિતાની એક ક્ષણની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Gandhidham: મનપાની મેગા ડ્રાઈવ, ઓસ્લો સર્કલથી કોટેશ્વર સુધીના 245 ગેરકાયદે દબાણોનો સફાયો