ગાંધીધામમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રસ્તાઓ ખુલ્લા કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આક્રમક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામો પર પાલિકાનું બુલડોઝર ફરી વળતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવાયા
ગાંધીધામ મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં શહેરના અતિ વ્યસ્ત એવા ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધીના માર્ગને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પટ્ટામાં રસ્તાની બંને બાજુએ વર્ષોથી જામી ગયેલા કાચા-પાકા દબાણોને હટાવવા માટે તંત્રએ 5 જેસીબી મશીનોની મદદ લીધી હતી. કુલ 245 જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડીને રસ્તાને મૂળ સ્થિતિમાં લાવવાની કામગીરી કરવામાં આવી છે.










