સુરતના કતારગામ વિસ્તારની વર્ષો જૂની ટીપી (Town Planning) સ્કીમનો મુદ્દો હવે માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન પૂરતો મર્યાદિત રહ્યો નથી. કતારગામની ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 માં જમીન રિઝર્વેશનને લઈ ચાલી રહેલો વિરોધ હવે સીધો કેન્દ્ર સરકાર સુધી પહોંચતા સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કતારગામ TP સ્કીમનો વિવાદ
સામાન્ય રીતે સ્થાનિક પ્રશ્નો નગરપાલિકા કે મહાનગરપાલિકાના સ્તરે રજૂ કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં જાગૃત નાગરિકોએ કેન્દ્ર સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ પોર્ટલ 'સીપીગ્રામ્સ' પર આ અંગે રજૂઆત કરી હતી. આ ફરિયાદની ગંભીરતા જોતા દિલ્હી સ્થિત કેન્દ્રીય કાર્યાલયે સીધો અસરગ્રસ્ત વ્યક્તિને ફોન કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.
તંત્રએ ફાઈલો પરની ધૂળ ખંખેરવાનું શરૂ કર્યું
દિલ્હીથી ફોન કરનાર અધિકારીએ અસરગ્રસ્તો સાથે જમીન રિઝર્વેશનની સમસ્યા અંગે વિગતવાર ચર્ચા કરી. કતારગામની આ ત્રણ ટીપી સ્કીમમાં જમીન રિઝર્વેશનના કારણે સ્થાનિકો અને જમીન માલિકો લાંબા સમયથી મુશ્કેલીમાં હતા. દિલ્હીથી સીધો પ્રતિસાદ મળતા જ સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને ફાઈલો પરની ધૂળ ખંખેરવાનું શરૂ કર્યું છે.
કેન્દ્રના હસ્તક્ષેપથી જાગી નવી આશા
સ્થાનિક સ્તરે જે ફાઈલો વર્ષોથી અટવાયેલી પડી હતી, તેમાં હવે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ ઝડપ આવશે તેવી આશા બંધાઈ છે. અસરગ્રસ્તોનું માનવું છે કે જ્યારે દિલ્હીથી સીધો 'કરંટ' આવ્યો છે ત્યારે હવે આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ ઘટનાએ એ પણ સાબિત કર્યું છે કે ટેકનોલોજી અને ઓનલાઇન ફરિયાદ માધ્યમો દ્વારા છેવાડાના માનવીનો અવાજ પણ છેક દિલ્હી સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો: Vadodara: શાળામાં રજા પડાવવા વિદ્યાર્થીની હત્યા કરનાર સગીરને ઐતિહાસિક સજા, કોર્ટે ફટકારી જન્મટીપ