વડોદરાની એક શાળામાં વર્ષ 2018માં બનેલી અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક હત્યાના કેસમાં નામદાર કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. માત્ર શાળામાં રજા પડે તેવા વિચિત્ર અને ક્રૂર હેતુથી માસૂમ વિદ્યાર્થીની હત્યા કરનાર સગીર આરોપીને ચિલ્ડ્રન કોર્ટે આજીવન કેદ (જન્મટીપ) ની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. ગુજરાતમાં સંભવતઃ આ પહેલો એવો કિસ્સો છે જેમાં સગીર વયના આરોપીને આટલી કડક સજા ફટકારવામાં આવી હોય.

વડોદરામાં સગીરને જન્મટીપની સજા ફટકારાઇ

જૂન 2018માં વડોદરાના બરાનપુરા રોડ પર આવેલી ભારતી સ્કૂલમાં આ લોહીલુહાણ ખેલ ખેલાયો હતો. ધોરણ-10માં અભ્યાસ કરતા એક સિનિયર વિદ્યાર્થીએ શાળાના શૌચાલયમાં જઈને એક અન્ય વિદ્યાર્થી પર તિક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં શિક્ષણ જગત અને વાલીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

હત્યા પાછળનું ચોંકાવનારું કારણ

પોલીસ તપાસ અને કોર્ટ કાર્યવાહી દરમિયાન જે કારણ સામે આવ્યું તે સાંભળીને ન્યાયાધીશ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.આરોપી વિદ્યાર્થીને શાળામાં ભણવું ગમતું નહોતું. બનાવના બે દિવસ અગાઉ તેને વર્ગશિક્ષકે ઠપકો આપ્યો હતો.આરોપીએ વિચાર્યું કે જો સ્કૂલમાં કોઈનું મોત થાય તો શાળામાં રજા પડી જાય. આ હીન હેતુથી તેણે જેને ઓળખતો પણ નહોતો તેવા માસૂમ વિદ્યાર્થીને નિશાન બનાવી તેની ક્રૂર હત્યા કરી નાખી હતી.

કોર્ટનો કડક ચુકાદો

વાડી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ વર્ષ 2019માં આ કેસ ચિલ્ડ્રન કોર્ટમાં રજિસ્ટર થયો હતો. લાંબી કાયદાકીય પ્રક્રિયા અને પુરાવાઓની ચકાસણી બાદ, કોર્ટે આ ગુનાને અત્યંત ગંભીર ગણાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે આરોપીની માનસિકતા સમાજ માટે ખતરારૂપ છે, પરિણામે તેને જન્મટીપની સજા ફટકારીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: Surat: વરાછામાં ફરજ નિષ્ઠા બજાવતા હેડ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, નાકમાં ફ્રેક્ચર