સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા ગયેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પર ચાર જેટલા અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી છે.


પોલીસમાં હેડ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો

મળતી માહિતી મુજબ, સુરત પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અક્ષય આહીર પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન વરાછા રોડ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. એક જવાબદાર પોલીસકર્મી તરીકે, તેઓ પોતાની અંગત મુસાફરી બાજુ પર મૂકીને રસ્તા વચ્ચે ઉભેલી કાર અને બસને હટાવવા તેમજ ટ્રાફિક હળવો કરવા માટે કામગીરીમાં જોડાયા હતા.

ચાર શખ્સોનો અચાનક હુમલો

જ્યારે હેડ કોન્સ્ટેબલ અક્ષયભાઈ ટ્રાફિકમાં અવરોધરૂપ વાહનો હટાવી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર ચાર જેટલા માથાભારે શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. આ ટપોરીઓએ પોલીસકર્મી સાથે માથાકૂટ કરીને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે હેડ કોન્સ્ટેબલના નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને નાકમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે કાપોદ્રા પોલીસ મથકે ચાર હુમલાખોરો વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને જીવલેણ હુમલાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:Panchmahal: શહેરાની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી જોરદાર થપ્પડ, પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

  • Follow us on: