પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાંથી ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરની શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીએ શિસ્તના નામે પૂછાયેલા પ્રશ્નથી ઉશ્કેરાઈને પોતાની જ મહિલા શિક્ષિકા પર હાથ ઉપાડ્યો હતો. આ સમગ્ર ઘટના વર્ગખંડમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.


પરીક્ષામાં મોડો આવતા કારણ પૂછવું ભારે પડ્યું

ઘટનાની વિગતો મુજબ, ગત 24 જાન્યુઆરીના રોજ શાળામાં દ્વિતીય કસોટી ચાલી રહી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં નિર્ધારિત સમય કરતાં મોડો પહોંચ્યો હતો. ખંડ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા મહિલા શિક્ષિકાએ જ્યારે વિદ્યાર્થીને મોડા આવવાનું કારણ પૂછ્યું, ત્યારે શિસ્ત જાળવવાને બદલે વિદ્યાર્થી આવેશમાં આવી ગયો હતો. તેણે તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં શિક્ષિકાના ડાબા ગાલ પર જોરદાર થપ્પડ ઝીંકી દીધી હતી.

CCTV ફૂટેજમાં કેદ થઈ લજ્જાસ્પદ ઘટના

CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે થપ્પડનો વેગ એટલો પ્રચંડ હતો કે શિક્ષિકા સંતુલન ગુમાવી બેઠા હતા અને જમીન પર પડતા-પડતા બચ્યા હતા. વર્ગખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત વચ્ચે પડીને ઉશ્કેરાયેલા વિદ્યાર્થીને બહાર લઈ ગયા હતા.

પોલીસે શાળામાં કરાવ્યું 'સીન રિકન્સ્ટ્રક્શન'

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ શહેરા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. તપાસના ભાગરૂપે પોલીસે પકડાયેલા આરોપી વિદ્યાર્થીને શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.શિક્ષિકા અને અન્ય સ્ટાફની હાજરીમાં જ આ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી ગુનાની ગંભીરતા અને પુરાવા મજબૂત કરી શકાય.

આ પણ વાંચો: Mehsana: ઊર્જા મંત્રીના હસ્તે UGVCLની અત્યાધુનિક ડિસ્પેન્સરીનું લોકાર્પણ, 3,000 કર્મચારીઓને થશે સીધો લાભ

  • Follow us on: