ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો અવનવી તરકીબો અપનાવી રહ્યા છે, પરંતુ વલસાડ પોલીસે ફરી એકવાર તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. વાપીથી સુરત તરફ જઈ રહેલા એક ટાટા ટેમ્પોમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી લીધો છે. આ કામગીરીમાં પોલીસે લાખોની કિંમતનો દારૂ અને વાહન મળી કુલ રૂપિયા 33.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ટ્રાન્સપોર્ટના સામાન નીચે છુપાવ્યો હતો દારૂ
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક ટાટા ટેમ્પોને અટકાવીને તપાસ કરવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટેમ્પોમાં ઉપરના ભાગે ટ્રાન્સપોર્ટનો સામાન ભરેલો હતો, પરંતુ તેની નીચે ગુપ્ત રીતે સંતાડેલો વિદેશી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કુલ રૂપિયા 19,73,760/- ની કિંમતની દારૂની બોટલો મળી આવી હતી.













