મહેસાણા મહાનગરપાલિકામાં વહીવટદારના શાસન દરમિયાન કચરો ઉપાડવાની લારીઓની ખરીદીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ચોંકાવનારા અને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વહીવટદારના શાસનમાં ચોક્કસ ગોલમાલ કરીને અને પ્રજાના ટેક્સના નાણાંનો બેફામ વ્યય કરવામાં આવ્યો હોવાના આરોપો સ્થાનિકો તેમજ વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.
નગરપાલિકા કરતા વહીવટદારે બમણા ભાવે કરી ખરીદી
મળતી વિગતો અનુસાર, પૂર્વ નગરપાલિકાના શાસન વખતે જે કચરાની લારી રૂ. 6,600 માં ખરીદવામાં આવતી હતી, તે જ લારી વહીવટદારના શાસન દરમિયાન રૂ. 10,000 થી પણ વધુના ઊંચા ભાવે ખરીદવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન કુલ 250 નંગ લારીઓ રૂ. 25.50 લાખ ના મસમોટા ખર્ચે ખરીદવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેમાં સીધેસીધો ભ્રષ્ટાચાર થયો હોવાનો સૂર ઊઠ્યો છે.
વર્ક ઓર્ડર વિના જ લારીઓ કચેરીએ પહોંચી
આ સમગ્ર ખરીદી પ્રક્રિયામાં ભારે અનિયમિતતા આચરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરાયા છે. ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યોગ્ય ખર્ચ મંજૂર થયા વગર અને સંબંધિત એજન્સીને સત્તાવાર વર્ક ઓર્ડર આપ્યા વિના જ કચરાની તમામ લારીઓ મહેસાણા મહાનગરપાલિકાની કચેરીએ આવી પહોંચી હતી. વર્ક ઓર્ડર વગર જ માલ સપ્લાય થઈ જતાં વહીવટદાર અને સપ્લાયર વચ્ચે ગોઠવણ થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પ્રજાના નાણાંનો વ્યય થતાં તટસ્થ તપાસની માગ
કોઈપણ જાતના મંજૂરીપત્ર કે યોગ્ય પ્રક્રિયા વગર જ લાખો રૂપિયાની લારીઓ ખરીદી લેવાતાં સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના નાણાંનો ખુલ્લેઆમ દુરૂપયોગ કરનાર જવાબદાર અધિકારીઓ અને વહીવટદાર સામે કડક પગલાં ભરીને સમગ્ર કૌભાંડની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ બળવત્તર બની છે.
આ પણ વાંચો - Mehsana : 1500 કરોડના ધરોઈ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ફેઝ-1 પૂર્ણ, ટુરિઝમ અને રોજગારીને મળશે બૂસ્ટર ડોઝ