નવસારી જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી સામે વાંસદા પોલીસે લાલ આંખ કરી છે. વાંસદા પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં NDPS એક્ટ હેઠળ એક કારમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.
873 ગ્રામ ગાંજો અને કાર સહિત ₹8.63 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે શંકાસ્પદ કારની તલાશી લેતા તેમાંથી 873 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹43,650 થાય છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર તેમજ અન્ય સામાન મળીને કુલ ₹8,63,650 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મહારાષ્ટ્રના નાંદેડના 2 આરોપીઓની ધરપકડ
કારમાંથી ગાંજા સાથે પકડાયેલા બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તેઓ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પરપ્રાંતમાંથી ગુજરાતમાં નશીલા પદાર્થો ઘૂસાડવાના આ નેટવર્ક પર વાંસદા પોલીસે સકંજો કસ્યો છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી 1 વોન્ટેડ આરોપીની શોધખોળ
વાંસદા પોલીસે પકડાયેલા બંને આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય 1 વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Navsari News: ફૂડ વિભાગની રેડ, એનાલોગ પનીર અને ચીઝ અંગે 20 થી વધુ એકમોમાં ચેકિંગ