પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં લગ્નની ખુશીઓ પળવારમાં આક્રંદમાં ફેરવાઈ ગઈ હતી. ગામના એક મહોલ્લામાંથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન "અમારા મહોલ્લામાંથી વરઘોડો કેમ કાઢ્યો?" તેમ કહી કેટલાક સ્થાનિક શખ્સોએ હોબાળો મચાવ્યો હતો. સામાન્ય બાબતમાં શરૂ થયેલો આ વિવાદ જોતજોતામાં હિંસક હુમલામાં ફેરવાઈ ગયો હતો અને જાનૈયાઓ પર તૂટી પડ્યા હતા.

વરરાજાને નીચે પછાડ્યો, સોનાનો દોરો ચોરાયાની ફરિયાદ

હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે, તેમણે ઘોડા પર બેસેલા વરરાજાને નીચે પછાડી દીધા હતા અને તેમની સાથે મારપીટ કરી હતી. આ હુમલામાં વરરાજાનો કિંમતી લગ્નનો શૂટ પણ ફાડી નાખવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ધમાલનો લાભ ઉઠાવીને વરરાજાના ગળામાંથી સોનાનો દોરો પણ ચોરાઈ ગયો હોવાની વિગતો ફરિયાદમાં સામે આવી છે.

https://twitter.com/sandeshnews/status/2071171402657567226

પરિવાર વચ્ચે પડતા ઢોર માર, જાનથી મારી નાખવાની ધમકી

વરરાજા પર થઈ રહેલા હુમલાને જોઈને તેમને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના માતા, કાકા અને કાકીને પણ હુમલાખોરોએ છોડ્યા ન હતા. પરિવારના સભ્યોને પણ લાકડીઓ અને ઢીકાપાટુનો ઢોર માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ આ દરમિયાન જ્ઞાતિસૂચક અપશબ્દો કહીને આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

બાલીસણા પોલીસ એક્શનમાં, 5 શખ્સો સામે ગુનો દાખલ

આ હિંસક ઘટના અંગે ભોગ બનનાર પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. બાલીસણા પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ રામુજી ઠાકોર, સંજયજી ઠાકોર, મેહુલજી ઠાકોર, રાહુલજી ઠાકોર અને કૌશીકજી ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Patan News: હારીજમાં જાહેર રોડ પર યુવાને કરી રખડતા આખલા પર સવારી, જુઓ Video