પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા જ જુગારીઓ સક્રિય બને તે પૂર્વે જ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ મોટી કાર્યવાહી કરી છે. પાટણ જિલ્લાના હારીજ શહેરમાં આવેલા અમૃતપુરા વિસ્તારમાં ધમધમી રહેલા એક મોટા જુગારધામ પર SMCની ટીમે અચાનક ત્રાટકીને રેડ કરાઈ હતી. આ સરપ્રાઈઝ રેડને કારણે સ્થાનિક જુગારીઓમાં ભારે ભાગદોડ અને ફફડાટ મચી ગયો હતો.
સ્થળ પરથી 28 જુગારીઓ ઝડપાયા
SMCની ટીમની રેડ દરમિયાન સ્થળ પરથી હાર-જીતનો જુગાર રમતા કુલ 28 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના અડ્ડા પરથી રોકડ રકમ તેમજ અન્ય સામગ્રી મળીને કુલ રૂ. 2,35,000થી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SMCની આ કડક કાર્યવાહીથી સમગ્ર પંથકના દારૂ-જુગારના અડ્ડા ચલાવતા તત્વોમાં ધ્રાસકો પડ્યો છે.

જુગાર રમતા ઝડપાયેલાઓમાં કોંગ્રેસ કોર્પોરેટર ચંદનજી ઠાકોર પણ સામેલ
આ રેડ દરમિયાન સૌથી મોટો વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પકડાયેલા આરોપીઓની ઓળખ સામે આવી. જુગાર રમતા ઝડપાયેલા 28 શખ્સોમાં હારીજ શહેર કોંગ્રેસના કોર્પોરેટર ચંદનજી ઠાકોર પણ સામેલ હોવાનું ખુલ્યું હતું. SMC દ્વારા કોંગ્રેસના જવાબદાર નેતા અને કોર્પોરેટરની જુગાર રમતા ધરપકડ કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા, શ્રાવણ પૂર્વે જુગારીઓમાં ફફડાટ
જનપ્રતિનિધિ તરીકે સેવા આપવાને બદલે જુગારધામમાં હાર-જીતનો ખેલ ખેલતા ઝડપાયેલા કોર્પોરેટરની ધરપકડને પગલે સ્થાનિક કોંગ્રેસ પક્ષ ભારે બેકફૂટ પર આવી ગયો છે. શ્રાવણ મહિનામાં શકુનીઓ એક્ટિવ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની આ મોટી રેડથી હારીજ અને સમગ્ર પાટણ જિલ્લાના જુગારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો - Patan News : પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સામે વિરોધ, સ્થાનિક નેતાઓની શિસ્તભંગના પગલાં લેવાની માગ