ગુજરાત કોંગ્રેસમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભડકો થયો છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતાં. તેમણે મોવડી મંડળને નિમણૂંકો અંગે રજૂઆતો કરી હતી. આ ઉપરાંત પ્રદેશ નેતૃત્વની કાર્યપદ્ધતિ સામે પણ સવાલો ઉઠાવ્યા હતાં. સંગઠનમાં કરવામાં આવેલી નિમણૂકો પ્રત્યે તેમણે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હવે પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ આવ્યો છે. પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
બાબુજી ઠાકોર અને તેમના સમર્થકો પર તીખા પ્રહારો
પાટણ જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સામે સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પરિસ્થિતિ વચ્ચે વર્તમાન ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ અને જિલ્લા પ્રમુખ ઘેમરભાઈના સમર્થનમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો અને ઠાકોર સમાજના અગ્રણી નેતાઓ ખુલ્લેઆમ ડૉ.કિરીટ પટેલના પક્ષમાં આવ્યા હતા.પત્રકાર પરિષદ દરમિયાન સ્થાનિક નેતાઓએ પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર અને તેમના સમર્થકો પર તીખા પ્રહારો કર્યા હતા.
