રાજ્યમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા હાથ લાગી છે. બાતમીના આધારે એસઓજી પોલીસે સુરત શહેરમાંથી 21 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે પુરુષ અને એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા ગાંજાના આ જથ્થાની બજાર કિંમત આશરે રૂ. 10,52,000 જેટલી થવા જાય છે.
ઓડિશા કનેક્શનનો ખુલાસો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્કને લઈને એક મોટો ખુલાસો થયો છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ આ ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ટ્રેન મારફતે સુરત લાવ્યા હોવાનું સામે આવ્યું છે. ટ્રેનની મુસાફરી દરમિયાન પોલીસની નજરમાંથી બચવા માટે આરોપીઓએ મહિલાને પણ પોતાની સાથે રાખી હતી, જેથી કોઈને શંકા ન જાય. જોકે, સુરત પોલીસની સચોટ બાતમી આગળ પેડલરોની આ ચાલ નિષ્ફળ સાબિત થઈ હતી.
કુલ રૂ. 10.71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
એસઓજી પોલીસે કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 21 કિલો ગાંજો, મોબાઈલ ફોન અને અન્ય રોકડ રકમ સહિત કુલ રૂ. 10,71,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ સુરતમાં લાંબા સમયથી સક્રિય હતી કે, પછી આ પહેલી ખેપ હતી તે દિશામાં પણ હવે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
https://twitter.com/sandeshnews/status/2077814609734721903
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ
આ મામલે સુરત પોલીસે પકડાયેલા ત્રણેય નશાના સોદાગરો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્કમાં ઓડિશાથી માલ મોકલનાર મુખ્ય સપ્લાયર કોણ છે અને સુરતમાં આ જથ્થો કોને ડિલિવરી કરવાનો હતો, તે તમામ કડીઓ મેળવવા માટે પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Surat News: જગન્નાથજીના દર્શને જતી બે કોલેજીયન યુવતીઓને ટ્રકે કચડી, એકનું મોત