સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા જઈ રહેલી બે કોલેજીયન યુવતીઓને સાયણ અને હજીરાને જોડતા આઉટર રિંગ રોડ પર કાળરૂપી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે.
રિયા કુંભાણીનું ઘટના સ્થળે જ મોત
મળતી વિગતો અનુસાર, મોપેડ સવાર બે કોલેજીયન યુવતીઓ રિયા કુંભાણી અને ઉર્વિષા બાંભણિયા ભગવાન જગન્નાથજીના દર્શને જઈ રહી હતી. આ દરમિયાન આઉટર રિંગ રોડ પર પૂરપાટ ઝડપે દોડતા એક ટ્રકના ચાલકે તેમની મોપેડને અડફેટે લીધી હતી. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે, રિયા કુંભાણીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ઉર્વિષા બાંભણિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જહાંગીરપુરા પોલીસે શરૂ કરી તપાસ
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત ઉર્વિષાને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક રિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.
પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું
બીજી તરફ, આ કરુણ ઘટના અંગે યુવતીના પરિવારને જાણ કરાતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આશાસ્પદ દીકરીના મોતના સમાચારથી કુંભાણી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું છે. જહાંગીરપુરા પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat News: બારડોલીમાં ફરી એકવાર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી