ગુજરાતમાં ઘણા સમયથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મલી રહ્યાં છે. ત્યારે ગઈકાલે રાજ્યની પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. અજાણ્યા તત્વો તરફથી મળતી આવી ધમકીઓને પગલે સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. આ ધમકીઓ અંગે તપાસ શરૂ કરાઈ છે. વિવિધ સુરક્ષા એજન્સીઓ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ઈમેલ કરનારા તત્વોને પકડવા કાર્યવાહી કરી રહી છે. એવામાં ફરીવાર સુરતના બારડોલીમાં સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 

સાયનાઇડ બોમ્બ અને આત્મઘાતી હુમલાની ધમકી

સુરતના બારડોલીમાંથી ફરી એકવાર સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની સનસનીખેજ ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે. આ વખતે બારડોલીની મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવીને સાયનાઇડ બોમ્બ તેમજ આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે.આ ધમકી એક ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી છે જેમાં હુમલાની ચેતવણી સાથે અનેક ચોંકાવનારા અને સનસનીખેજ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ

ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી.સુરક્ષાના પગલે તકેદારી રાખીને તાત્કાલિક ધોરણે બંને ઓફિસોને ખાલી કરાવી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કચેરીઓના ખૂણે-ખૂણામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલમાં પોલીસ દ્વારા આ ઈ-મેઈલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે, તે દિશામાં સાયબર ક્રાઈમની મદદથી અત્યંત ગંભીર તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Kutch: રાપરમાં કચ્છી નવા વર્ષ અને ભવ્ય રથયાત્રા વચ્ચે મેઘરાજાની શુકનવંતી પધરામણી