કચ્છીયત અને પ્રાદેશિક સંસ્કૃતિના પ્રતીક સમાન કચ્છી નવા વર્ષ એટલે કે આષાઢી બીજના પાવન અવસરે આજે સરહદી જિલ્લા કચ્છમાં ભક્તિ, ઉલ્લાસ અને પ્રકૃતિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. વાગડના મુખ્ય મથક રાપર ખાતે આજે સવારથી જ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. અહીંના ઐતિહાસિક દરિયાસ્થાન મંદિર ખાતેથી સવારે પરંપરાગત ઢોલ-નગારા અને ભક્તિસભર માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાંવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

નવા વર્ષના શુકનવંતા વરસાદને વધાવી લીધો

આ ધાર્મિક મહોત્સવ વચ્ચે કચ્છવાસીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર કુદરત તરફથી આવ્યા હતા. લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે મેઘરાજાએ બરાબર રથયાત્રાના મુહૂર્તે જ રાપર અને સમગ્ર વાગડ વિસ્તારમાં ધમાકેદાર પધરામણી કરી હતી. વરસાદના આગમનની સાથે જ રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા અને નવા વર્ષના શુકનવંતા વરસાદને વધાવી લીધો હતો.

કચ્છી નવા વર્ષની રથયાત્રામાં મેઘરાજાની એન્ટ્રી

નગર ભ્રમણ કરીને આ ભવ્ય રથયાત્રા ત્રિકમ સાહેબના વિરડા ખાતે ભક્તિસભર માહોલમાં સંપન્ન થઈ હતી. અષાઢી બીજના આ પર્વે ત્રિકમ સાહેબ વિરડા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાગડ પંથકની લોકસંસ્કૃતિના દર્શન થયા હતા. આ ધાર્મિક મહોત્સવમાં પંથકના જાણીતા સંતો-મહંતો આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સામાજિક કાર્યકરો, અગ્રણીઓ અને વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છી નવા વર્ષની પરસ્પર શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: Ankleshwar: નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત, પી.પી. સવાણી યુનિવર્સિટીના આફ્રિકન છાત્રનું મોત