અમદાવાદ-મુંબઈને જોડતા વ્યસ્ત નેશનલ હાઈવે 48 પર અંકલેશ્વર નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ભારે વાહનોની અનિયંત્રિત ગતિએ વધુ એક નિર્દોષ બાઈક સવારનો ભોગ લીધો છે, જે આ વખતે ભારત ભણવા આવેલો એક વિદેશી વિદ્યાર્થી છે. અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર આફ્રિકન યુવાનને એક અજાણ્યા તોતિંગ ટ્રક ચાલકે બેફામ ગતિએ ટક્કર મારી હતી.

અંકલેશ્વર હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત

અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પરથી પટકાતા જ આફ્રિકન યુવાનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. જો કે, અકસ્માત સર્જનાર અજાણ્યો ટ્રક ચાલક ભીડ જમા થાય તે પહેલા જ પોતાના વાહન સાથે તકનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં આફ્રિકન યુવાનનું મોત

ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો તાત્કાલિક હાઈવે પર દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે મૃતક આફ્રિકન યુવાનના ખિસ્સા અને બાઈકમાંથી મળેલા દસ્તાવેજોના આધારે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતક યુવાન કોસંબા નજીક આવેલી પ્રખ્યાત પી.પી. સવાણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુનિવર્સિટી પ્રશાસન તેમજ એમ્બેસીને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ હાઈવેના ટોલ પ્લાઝા અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટાં, અષાઢી બીજે મેઘરાજાએ આપ્યા શુકનવંતા મંડાણ