હીરા નગરી સુરતમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાંથી નશાના કાળા કારોબાર સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધના પોલીસની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ગાંજાના મોટા જથ્થા સાથે એક મહિલા પેડલરને રંગેહાથ દબોચી લીધી છે. નશાના આ નેટવર્કમાં મહિલાની ધરપકડ થતાં સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ છે.

6 કિલોથી વધુનો ગાંજો અને લાખોનો મુદ્દામાલ જપ્ત

ઉધના પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ અને ખાનગી બાતમીના આધારે ઘેરાબંધી કરીને પૂજા નામની મહિલાને અટકાયતમાં લીધી હતી. પોલીસ દ્વારા તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી ગેરકાયદે રાખવામાં આવેલો માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહિલા પાસેથી કુલ 6 કિલો અને 080 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ આંતરબજારમાં જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત 3,04,000 આંકવામાં આવી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ તેજ કરાઈ

લાખો રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા સાથે પકડાયેલી આરોપી મહિલા પૂજા વિરૂદ્ધ ઉધના પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેની સત્તાવાર ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે, આ મહિલા આટલો મોટો ગાંજાનો જથ્થો ક્યાંથી લાવી હતી અને સુરત શહેરમાં તે કોને સપ્લાય કરવાની હતી. આ નેટવર્કની પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Surat : ખાનગી સ્કૂલે સુરક્ષાના બહાને આખી ખાડી પર કરી દીધું પાકું બાંધકામ, હોબાળો મચતાં સુડા અને સિંચાઈ વિભાગની તપાસ શરુ