સુરતના ડેલાડવા ગામમાંથી વિકાસ અને નિયમોના નામે ચાલતી સરકારી બેદરકારી અને ખાનગી સંસ્થાઓની દાદાગીરીનો એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અહીં આવેલી એક દિપ દર્શન નમાની ખાનગી સ્કૂલે બાળકોની સુરક્ષાનું બહાનું ધરીને ગામની મુખ્ય સરકારી ખાડી પર ગેરકાયદેસર રીતે પાકું કન્સ્ટ્રક્શન કરી દીધું છે.
ખાડીને ઉપરથી કન્સ્ટ્રક્શન કરીને ઢાંકી દીધી
સ્કૂલ સંચાલકોએ કુદરતી જળ પ્રવાહ ધરાવતી આખી ખાડીને ઉપરથી કન્સ્ટ્રક્શન કરીને ઢાંકી દીધી છે અને ત્યાં રમત-ગમતનું મેદાન તથા વાહનો માટેનું મોટું પાર્કિંગ એરિયા ઊભું કરી દીધું છે.
ગામમાં પૂર આવવાનો મોટો ખતરો
આ ગંભીર બેદરકારીને કારણે ચોમાસાની ઋતુમાં ખાડીના પાણી બેક મારવાનો અને આસપાસના રહેણાંક વિસ્તારો સહિત સમગ્ર ડેલાડવા ગામમાં પૂર આવવાનો મોટો ખતરો ઊભો થયો છે. નવાઈની વાત એ છે કે, વર્ષ 2015માં આ જગ્યાએ બાંધકામ માટે કેટલીક કડક શરતો સાથે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ શાળા પ્રશાસને તે તમામ સરકારી શરતો અને નિયમોનો સરેઆમ ઉલાળિયો કરીને પોતાની મનમાની ચલાવી છે. કુદરતી જળપ્રવાહને રોકીને કરાયેલું આ બાંધકામ શાળાના નિર્દોષ બાળકો અને સ્થાનિક ગ્રામજનોની સુરક્ષા સામે પણ એક મોટું જોખમ સાબિત થઈ રહ્યું છે.
તંત્ર દ્વારા તપાસ
આ ગંભીર મામલો મીડિયા અને સામાજિક કાર્યકરો દ્વારા ઉજાગર કરવામાં આવતા જ સરકારી તંત્ર પણ સફાળું જાગ્યું છે. તંત્રની અત્યાર સુધીની ઢીલી કામગીરી સામે પણ ગ્રામજનોમાં ઉગ્ર સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં ઘટનાની ગંભીરતાને જોતાં સિંચાઈ વિભાગ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) ના ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત ટીમ તપાસ અર્થે મેદાનમાં ઉતરી છે. આ ગેરકાયદેસર દબાણ બદલ સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : રેલવે ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ, દેશની પ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન’આજથી દોડશે, વાંચો આ ટ્રેન કઇ રીતે ચાલે છે અને તેના ફાયદા- ગેરફાયદા