તાપી જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ અને ડિગ્રી વગર એલોપથી પ્રેક્ટિસ કરતા તબીબો સામે જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લાલ આંખ કરી છે. એસઓજીની ટીમે સોનગઢ તાલુકાના ચકવાણ ગામેથી હોમિયોપેથીક ડિગ્રી ધરાવતા એક તબીબને ગેરકાયદે એલોપથી પ્રેક્ટિસ કરતા રંગેહાથ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરકારી તબીબને સાથે રાખી એસઓજીનું ઓપરેશન

મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, સોનગઢના ચકવાણ ગામે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા એક ભાડાના મકાનમાં ડિગ્રી વગર એલોપથી સારવાર ચાલી રહી છે. બાતમીના આધારે એસઓજીની ટીમે ગુનખડી પીએચસીના સરકારી તબીબને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ઓચિંતી રેડ કરી હતી.

હોમિયોપેથીકની ડિગ્રી પર ચાલતી હતી એલોપથી દુકાન

આ રેડ દરમિયાન હોમિયોપેથીક સારવારની ડિગ્રી ધરાવતા ડો. મનીષ પ્રકાશભાઈ સોનવણે એલોપથી દવાઓ વડે દર્દીઓની સારવાર કરતા ઝડપાઈ ગયા હતા. કાયદેસરની યોગ્ય લાયકાત કે મંજૂરી વિના જ તેઓ એલોપથી પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.

રૂ. 67 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

તાપી એસઓજી એ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી એલોપથી દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સારવારના વિવિધ સાધનો સહિત કુલ રૂપિયા 67 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે આરોપી ડોક્ટર સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ પંથકમાં ગેરકાયદે હાકિમો-ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Gujarat Rain Update: રાજ્યમાં આકાશી આફત, અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત