વાવ-થરાદ જિલ્લામાં લાંચિયા કર્મચારીઓ સામે બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. થરાદ ખાતે આવેલી મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર આચરતા એક સરકારી કર્મચારીને બનાસકાંઠા એસીબીની ટીમે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધો છે. આ સરપ્રાઈઝ રેડને પગલે કચેરીના અન્ય સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રેકોર્ડ રૂમમાં નોંધની નકલ આપવા માંગી લાંચ
મળતી માહિતી અનુસાર, થરાદ મામલતદાર કચેરીના રેકોર્ડ રૂમમાં જમીનની નોંધો મંજૂર કરવા અને તેની નકલો આપવા માટે અરજદારો પાસે લાંચની માંગણી કરવામાં આવતી હતી. આ દરમિયાન એક ફરિયાદી પાસે કચેરીમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ વાઘજીભાઈ સોનીએ નોંધની નકલ કાઢી આપવાના અવેજ પેટે માત્ર રૂ. 200ની લાંચ માંગી હતી.
રૂ. 200ની લાંચ સ્વીકારતા જ રંગેહાથ ઝડપાયો
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે બનાસકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે થરાદ મામલતદાર કચેરીના રેકોર્ડ રૂમમાં જ એક આયોજનબદ્ધ છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી પટાવાળા કિરીટ સોનીએ જેવી ફરિયાદી પાસેથી રૂ. 200ની લાંચની રકમ સ્વીકારી, કે તુરંત જ ત્યાં ટાંપા મારીને ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ
એસીબીએ લાંચના નાણાં જપ્ત કરીને આરોપી કિરીટભાઈ સોની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. કચેરીઓમાં નાનામાં નાના કામ માટે પણ સામાન્ય જનતા પાસેથી પૈસા પડાવતા તત્વો સામે એસીબીની આ કાર્યવાહીને સ્થાનિક અરજદારોએ આવકારી છે. હાલ આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Tharad: ભારે પવનના લીધે શિવશક્તિ સોસાયટીમાં વીજ કેબલ વિસ્ફોટ સાથે તૂટ્યો, સળગતો વાયર રસ્તા પર પડતા મચી અફડાતફડી