વાવ-થરાદ સરહદી વિસ્તારના મુખ્ય મથક એવા થરાદ શહેરમાં આજે અચાનક વાતાવરણ પલટાતાં ધૂળની ડમરીઓ સાથે તીવ્ર ગતિએ ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. આ તેજ પવન પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આફત લઈને આવ્યો હતો. થરાદની ગીચ વસ્તી ધરાવતી શિવશક્તિ સોસાયટીમાંથી પસાર થતા મુખ્ય વીજ કેબલો પવનના જોરના કારણે એકબીજા સાથે જોરથી ટકરાયા હતા, જેના કારણે એકાએક હાઈ-વોલ્ટેજ શોર્ટ સર્કિટ સર્જાયું હતું.
પવનથી વીજ કેબલમાં શોર્ટ સર્કિટ
https://publish.x.com/?url=https://twitter.com/sandeshnews/status/2073224593007919580
ટાઉન હોલ જેવા વિસ્ફોટથી સોસાયટી ધ્રૂજી ઉઠી
શોર્ટ સર્કિટ થતાં જ વીજ લાઈનમાં એક પછી એક પ્રચંડ વિસ્ફોટો અને ભડાકા થવા લાગ્યા હતા. જોતજોતામાં કેબલે પકડેલી આગ આખી લાઈનમાં પ્રસરી ગઈ હતી અને સળગતો કેબલ ધડાકાભેર તૂટીને સોસાયટીના મુખ્ય આંતરિક રસ્તા પર આવી પડ્યો હતો. રસ્તા પર લાઈવ વાયર સળગતો જોઈને આસપાસના મકાનોમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને વાહનોની અવરજવર કરતા લોકોએ પોતાના વાહનો અધવચ્ચે જ ઉભા રાખી દીધા હતા. સ્થાનિક રહીશોની સતર્કતા અને નસીબ જોગ તે સમયે વાયરની બિલકુલ નીચે કોઈ પસાર થઈ રહ્યું ન હતું, જેથી એક બહુ મોટી હોનારત અને જાનહાનિ થતાં અટકી ગઈ હતી.
વીજ કંપનીની તાત્કાલિક દોડધામ
આ અકસ્માત થતાં જ સુરક્ષાના ભાગરૂપે લાઈન આપોઆપ ટ્રીપ થઈ ગઈ હતી અને સોસાયટી સહિતના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણ ગુલ થઈ ગયો હતો. ઘટના અંગે સ્થાનિક યુવાનોએ તાત્કાલિક વીજ કંપનીના કંટ્રોલ રૂમને જાણ કરતા, વીજ કંપનીના લાઈનમેન અને એન્જિનિયરોની ટીમ તમામ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. પાવર સપ્લાય ઓફ કરીને રસ્તા પર પડેલા સળગતા કેબલને બાજુ પર ખસેડવામાં આવ્યો હતો અને નવો કેબલ નાખીને વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, અચાનક પાવર જતા રહેતા સ્થાનિક રજૂઆતો વચ્ચે રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: Junagadh Rain: સાબલી ડેમના 11 દરવાજા ખોલાતા મઘરવાડા ગામ સંપર્કવિહોણું, પૂરના પાણીમાં રસ્તાઓ ધોવાયા