જૂનાગઢ જિલ્લામાં આકાશી આફત હવે આર્થિક અને ભૌતિક આફતમાં ફેરવાઈ ગઈ છે. કેશોદ તાલુકામાં સવારથી વરસેલા અનરાધાર વરસાદને કારણે જળાશયોના જળસ્તરમાં જોખમી વધારો થયો છે. કેશોદની જીવાદોરી સમાન સાબલી ડેમ તેની ભયજનક સપાટી વટાવી ચૂકતાં, ડેમની સુરક્ષાને ધ્યાને રાખીને પ્રશાસન દ્વારા તાબડતોબ ડેમના 11 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ડેમમાંથી નદીમાં છોડાયેલા પૂરના પ્રચંડ વેગે નીચાણવાળા વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે.

મઘરવાડા ગામ ટાપુમાં ફેરવાયું, રસ્તાઓ ધોવાયા

સાબલી ડેમના પાણી સીધા હેઠવાસના ગામો તરફ ધસી જતાં મઘરવાડા ગામની ચારેય તરફ પૂરના પાણી ભરાઈ ગયા છે. ગામને તાલુકા મથક સાથે જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી જવાથી અને ધોવાઈ જવાથી મઘરવાડા ગામ બાહ્ય દુનિયાથી તદ્દન સંપર્કવિહોણું બની ગયું છે. આ ઉપરાંત પંથકના અનેક આંતરિક ગ્રામ્ય રસ્તાઓ અને એપ્રોચ રોડ પાણીના પ્રવાહમાં કાગળની જેમ ધોવાઈ ગયા છે, જેના કારણે કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચવી પણ મુશ્કેલ બની ગઈ છે.

ખેડૂતોના પડ્યા પર પાટું, વાવેતર સાફ

ચોમાસાની શરૂઆતમાં જ મોંઘા બિયારણ અને ખાતર લાવીને જે ખેડૂતોએ મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર કર્યું હતું, તેમના પર કુદરતે કોપ વર્સાવ્યો છે. ખેતરો બે થી ત્રણ ફૂટ પાણીમાં ગરકાવ થઈ જતાં કિંમતી પાક મૂળમાંથી જ ધોવાઈ ગયો છે. ખેડૂતોએ આક્રોશ અને દુઃખ સાથે જણાવ્યું છે કે આખું વર્ષ જે પાક પર ગુજરાન ચલાવવાનું હતું તે નજર સામે નષ્ટ થઈ ગયો છે. સ્થાનિક આગેવાનોએ વહીવટી તંત્ર પાસે મઘરવાડા ગામમાં તાકીદે બચાવ ટુકડીઓ મોકલવા તેમજ ધોવાઈ ગયેલા રસ્તાઓ અને ખેતીના નુકસાનનું તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી છે.

આ પણ વાંચો: Monsoon 2026 : ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ, 24 કલાક અતિભારે; માંગરોળમાં 22 ઈંચ સાથે 225 તાલુકા તરબતર..! Video