ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj) માંથી એક રુંવાડા ઊભા કરી દે તેવી ક્રાઈમ સ્ટોરી સામે આવી છે, જેણે પોલીસને પણ ચક્કરમાં નાખી દીધી છે. એક બંધ ઘરમાંથી પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળ્યા બાદ જે ફરાર પુત્ર પર હત્યાની આશંકા સેવાતી હતી, હવે તેનો પણ શવ મળી આવતા આખો કિસ્સો ગૂંચવાયો છે. પોલીસને ચોથો શવ સિટી ઝોનના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના સાઉથ મલાકાની એક દુકાનમાંથી મળી આવ્યો છે, જેની ઓળખ 40 વર્ષીય અભિષેક વૈશ્ય તરીકે થઈ છે.


શું છે સમગ્ર ઘટના?

આ પહેલા સાઉથ મલાકા વિસ્તારમાં એક બંધ ઘરની અંદરથી 70 વર્ષના વૃદ્ધ વિરેન્દ્ર વૈશ્ય, તેમની 65 વર્ષની પત્ની અનીતા વૈશ્ય અને 45 વર્ષની અપરિણીત પુત્રી મીનાક્ષીના શવ અલગ-અલગ રૂમમાંથી મળી આવ્યા હતા. ઘરનો દરવાજો બહારથી બંધ હતો અને રવિવારથી પરિવારની કોઈ હિલચાલ ન દેખાતા પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે ત્રણેયની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ડીસીપી મનીષ કુમાર શાંડિલ્યના જણાવ્યા અનુસાર મૃતકોના શરીર પર ઈજાના ગંભીર નિશાન હતા.

દીવાલ પર લખેલા મેસેજે રહસ્ય વધાર્યું

આ હત્યાકાંડમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસને ઘરની દીવાલ અને એક બોર્ડ પર લખેલું મળ્યું કે, "અમને બંટી-બબલીએ માર્યા છે" અને "વહુએ હત્યા કરી છે". આ ચોંકાવનારા લખાણ બાદ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ખંખાલી રહી છે.

એડિશનલ પોલીસ કમિશનર ડો. અજય પાલ શર્માના જણાવ્યા અનુસાર, વિરેન્દ્ર વૈશ્યનો બીજો પુત્ર અશ્વિની હાલ છેતરપિંડીના કેસમાં કૌશામ્બી જેલમાં બંધ છે. અભિષેક અને અશ્વિની બંને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા હતા અને પિતા સાથે તેમનો અણબનાવ રહેતો હતો. અશ્વિનીએ જે મહિલા સાથે લગ્ન કર્યા હતા, પોલીસ હવે તે વહુ અને દીવાલ પર લખેલા 'બંટી-બબલી' ના રહસ્યની તપાસ કરી રહી છે. આ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રીને ઉકેલવા માટે 5 વિશેષ ટીમો બનાવવામાં આવી છે.

આ પણ વાંચો:Iran US Conflict: સીઝફાયર છતાં અમેરિકાએ ઈરાનના 'કેશમ દ્વીપ' પર કેમ વરસાવ્યા બોમ્બ?

  • Follow us on: