પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતો ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વેજલપુર પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન સબસીડાઈઝ્ડ નીમ કોટેડ યુરિયા ખાતરની 152 થેલીઓ ભરેલું વાહન ઝડપાઈ ગયું હતું.

40,578 રૂપિયાનો જથ્થો જપ્ત, ખેતીવાડી અધિકારીને સાથે રાખી તપાસ કરાઈ

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન વેજલપુર પોલીસે કાલોલ તાલુકા ખેતીવાડી અધિકારીને સાથે રાખીને વાહનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારના આધાર-પુરાવા કે પાસ-પરમિટ વગર લઈ જવાતો ખાતરનો બિનઅધિકૃત જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 40,578 ની કુલ કિંમતનો યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરી આગળની કાયદાકીય પ્રોસેસ હાથ ધરી છે.

Panchmahal News: Illegal Neem Coated Urea Seized Near Vejalpur, 2 Arrested

મધ્યપ્રદેશના બે શખ્સોની ધરપકડ, આરોપીઓના નામ જાહેર

ગેરકાયદે યુરિયા ખાતરની હેરાફેરી કરવાના આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે ઘટના સ્થળેથી જ પકડી પાડ્યા છે. ધરપકડ કરવામાં આવેલા બંને શખ્સો મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે.

  • વિકાસ સમરું બાંકડીયા (રહે. મધ્યપ્રદેશ)
  • મુકેશ સમરૂ બાંકડિયા (રહે. મધ્યપ્રદેશ)

વડોદરાના 'ઠાકોર બાપા કૃષિ સેવા મંડળ' સામે ગુનો નોંધાયો

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ અનઅધિકૃત જથ્થો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ખાતે આવેલા 'ઠાકોર બાપા કૃષિ સેવા મંડળ' દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. આથી, સબસીડાઈઝ્ડ ખાતરનો ગેરકાયદે પુરવઠો આપવા બદલ ધનતેજના કૃષિ સેવા મંડળ સામે પણ વિધિવત ફરિયાદ નોંધીને પોલીસે સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Ahmedabadમાં વરસાદ વિરામ લેતાં જ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું, વાહનચાલકોને ભારે હાલાકી