રાજકોટ શહેરમાં આજે કાળી ચૌદશ અને શનિવાર એકસાથે એક જ દિવસે આવવાથી ધાર્મિક દૃષ્ટિએ અનેરું અને વિશેષ મહત્ત્વ જોવા મળ્યું છે. આ ખાસ સંયોગ નિમિત્તે માતા કાળી, હનુમાનજી તેમજ ન્યાયાના દેવતા શનિદેવની આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના નકારાત્મક વિચારોને દૂર કરીને સારા કર્મો કરવાનો સંકલ્પ લે છે અને દિવ્ય ઊર્જા પ્રાપ્ત કરે છે.

જ્યુબિલી સ્થિત પૌરાણિક શનિ મંદિરે ભક્તોની ભીડ

આ પવિત્ર અવસરે રાજકોટના પ્રખ્યાત અને અતિ પૌરાણિક જ્યુબિલી શનિદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને અહીં આવતા ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની આસ્થા જોડાયેલી છે.

Devotees Gather at Jubilee Shani Temple on Kali Chaudas 2026 and Saturday in Rajkot

કાશીના લોકો દ્વારા થઈ હતી મંદિરની સ્થાપના

મંદિરના પૂજારી રમેશભાઈ ત્રિવેદીએ આ વિશે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, હું છેલ્લા 19 વર્ષથી આ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપું છું. કાળી ચૌદશ નિમિત્તે શનિદેવની પૂજા-અર્ચના કરવી ખૂબ જ ફળદાયી છે. આજના દિવસે હનુમાનજી અને કાળ ભૈરવની પૂજા કરવાથી ભક્તોના તમામ દુઃખ-દર્દ દૂર થાય છે. આ શનિદેવ મંદિર અત્યંત પૌરાણિક છે, અને કાશીના લોકો દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, જેથી તેનું માહાત્મ્ય અનેકગણું વધી જાય છે.

Devotees Gather at Jubilee Shani Temple on Kali Chaudas 2026 and Saturday in Rajkot

રાજકોટ અને આસપાસના શહેરોમાંથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ

જ્યુબિલી સ્થિત આ પૌરાણિક શનિ મંદિરે માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે પહોંચ્યા હતા. શનિ મંત્રના જાપ અને હનુમાન ચાલીસાના પાઠથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.


આ પણ વાંચો: Rajkotના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મનપા દ્વારા આયોજિત આતશબાજી નિહાળવા 50 હજારથી વધુ લોકો ઉમટ્યા!