નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE Main 2026 સેશન-1 ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાના શહેરોની વિગતો (સિટી સ્લિપ) જાહેર કર્યા બાદ, એજન્સીએ પરીક્ષાના સત્તાવાર સમયપત્રકમાં આંશિક ફેરફાર કર્યો છે. અગાઉ આ પરીક્ષા 21 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે યોજાવાની હતી, પરંતુ હવે તેમાં એક દિવસનો ઘટાડો કરવામાં આવ્યો છે. સુધારેલા શિડ્યુલ મુજબ, હવે JEE Main સેશન-1 ની પરીક્ષાઓ 21 જાન્યુઆરીથી શરૂ થઈને 29 જાન્યુઆરી, 2026 ના રોજ પૂર્ણ થશે.
જાણો નવું શેડ્યૂલ
પરીક્ષાના ક્રમની વાત કરીએ તો, પેપર-1 (B.E/B.Tech) માટેની પરીક્ષાઓ 21 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન વિવિધ તારીખોએ યોજાશે. જેમાં 21, 22, 23, 24 અને 28 જાન્યુઆરીના રોજ મુખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ, છેલ્લે 29 જાન્યુઆરીના રોજ પેપર-2 (A) અને પેપર-2 (B) એટલે કે B.Arch અને B.Planning માટેની પરીક્ષા લેવામાં આવશે. આ તમામ પરીક્ષાઓ બે શિફ્ટમાં લેવામાં આવશે, જેમાં પ્રથમ શિફ્ટ સવારે 9 થી 12 અને બીજી શિફ્ટ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીની રહેશે.













