NEET પેપર લીક અને CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગમાં સામે આવેલી ગેરરીતિઓને લઈને વિપક્ષ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની સતત માંગ કરવામાં આવી રહી છે. આ વિવાદ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ શુક્રવારે ધર્મેન્દ્ર પ્રધાનનો બચાવ કર્યો છે. તેમણે વિપક્ષની આ માંગને સંપૂર્ણપણે "રાજકીય" ગણાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ મંત્રી પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા નથી.


ધ ઇન્ડિયન એક્સપ્રેસના 'આઇડિયા એક્સચેન્જ' કાર્યક્રમમાં બોલતા રિજિજૂએ જણાવ્યું હતું કે, "શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સંપૂર્ણપણે રાજકીય છે. શિક્ષણ મંત્રીએ મંત્રાલયના વડા તરીકે નૈતિક જવાબદારી સ્વીકારી છે. તેઓ કોઈ ભૂલ કે ખામીથી મોં ફેરવી રહ્યા નથી, પરંતુ તેને એક પડકાર તરીકે લઈને સમગ્ર વ્યવસ્થામાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."

સ્વતંત્ર સંસ્થાઓ પર સીધી દેખરેખ હોતી નથી

જ્યારે રિજિજૂને પૂછવામાં આવ્યું કે જો ભાજપ વિપક્ષમાં હોત તો શું તે પણ મંત્રીના રાજીનામાની માંગ ન કરત? ત્યારે તેમણે સ્પષ્ટ તફાવત દર્શાવતા કહ્યું કે, "જો કોઈ મંત્રી અથવા તેમના સ્ટાફ દ્વારા કોઈ છેતરપિંડી કરવામાં આવી હોય, તો તેની જવાબદારી મંત્રીની બને છે. પરંતુ જો કોઈ સ્વતંત્ર સંસ્થામાં સમસ્યા હોય, તો તે સંસ્થાએ જવાબ આપવો જોઈએ." તેમણે ઉમેર્યું કે CBSE અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) જેવી સંસ્થાઓ સ્વતંત્ર રીતે કામ કરે છે અને મંત્રી તેમની રોજબરોજની પ્રવૃત્તિઓની સીધી દેખરેખ રાખતા નથી. 12 વર્ષમાં ભાજપના કોઈ મંત્રી પર ભ્રષ્ટાચાર કે છેતરપિંડીનો સીધો આરોપ નથી લાગ્યો. આ પેપર લીક કોઈ મંત્રી દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી નથી.

જવાબદારી નક્કી કરવા લેવાયા પગલાં

રિજિજૂએ માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે CBSE બોર્ડના ચેરમેન અને સેક્રેટરીની બદલી કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ છેલ્લા એક મહિનામાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે, જેનાથી ભવિષ્યમાં આવી પેપર લીકની ઘટનાઓ અટકાવી શકાશે.

નોંધનીય છે કે, કેન્દ્રીય પરીક્ષા NEET-UG 2026નું પ્રશ્નપત્ર લીક થયા બાદ દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ છે, કારણ કે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાળકોના ભવિષ્ય અને સપના સાથે જોડાયેલી હોય છે.
આ પણ વાંચો:Migraine:સાવધાન! વારંવાર થતો માઇગ્રેનનો દુખાવો હૃદય માટે ખતરો? નવા સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • Follow us on: