- અદિતિ રાવ હૈદરીએ આ વર્ષની શરૂઆતમાં તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે સગાઈ કરી હતી
- બંને 2024ના અંત સુધીમાં લગ્ન કરવાના છે
- અદિતિએ ખુલાસો કર્યો છે કે લગ્ન વાનપર્થીના 400 વર્ષ જૂના મંદિરમાં થશે
બોલીવુડથી લઈને સાઉથ સુધી પોતાનું ટેલેન્ટ બતાવનાર અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ ઘણા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. બંનેએ 28 માર્ચ, 2024ના રોજ સગાઈ કરી હતી અને આ કપલે સગાઈની રીંગ બતાવતા તેમની તસવીરો શેર કરી હતી. આ દરમિયાન હવે અદિતિ રાવે સિદ્ધાર્થ સાથેના લગ્નને લઈને એક નવું અપડેટ શેર કર્યું છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો છે કે તે 400 વર્ષ જૂના મંદિરમાં સિદ્ધાર્થ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કરશે સિદ્ધાર્થ-અદિતિ
અદિતિ રાવ અને સિદ્ધાર્થ તેમની સગાઈથી ચર્ચામાં છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસે સિદ્ધાર્થ સાથેના લગ્ન વિશે ખુલીને વાત કરી છે. અદિતિ રાવ હૈદરીએ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં સિદ્ધાર્થ સાથેના તેના લગ્ન અને લવ સ્ટોરી અંગે ઘણા ખુલાસા કર્યા છે. એક્ટ્રેસે જણાવ્યું કે તે સિદ્ધાર્થ સાથે વાનપર્થી પાસેના 400 વર્ષ જૂના શ્રીરંગપુરમ મંદિરમાં તેના પરિવારની ઈચ્છા મુજબ લગ્ન કરવા જઈ રહી છે.
સિદ્ધાર્થે અદિતિને કેવી રીતે પ્રપોઝ કર્યું?
'હીરામંડી' એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ ખુલાસો કર્યો કે સિદ્ધાર્થે તેને કેવી રીતે અને ક્યાં પ્રપોઝ કર્યું? અદિતિએ કહ્યું, 'હું હંમેશા મારી દાદીની ખૂબ નજીક હતી. પરંતુ હવે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મારી દાદીએ હૈદરાબાદમાં એક શાળા શરૂ કરી હતી, ત્યાં સિદ્ધાર્થે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
આ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા અદિતિ રાવ-સિદ્ધાર્થ
તમિલ-તેલુગુ ફિલ્મ 'મહા સમુદ્રમ' 2021માં સાથે કામ કર્યા બાદ અદિતિ અને સિદ્ધાર્થે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, કપલે 2024 માં સગાઈ કરી અને આ વર્ષે લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અદિતિ છેલ્લે વેબ સિરીઝ 'હીરામંડી'માં જોવા મળી હતી.