- સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં લગ્ન કરશે
- ખંડાલામાં યોજાશે કપલના મેરેજ
- લગ્નમાં પરિવારના સભ્યો અને મિત્રો જ રહેશે હાજર
અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી એક સપ્તાહમાં ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે સાત ફેરા લેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આથિયા અને કેએલ કોઈ હોટલમાં નહીં પરંતુ સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ ફાર્મહાઉસની અંદરની તસવીરો સામે આવી છે અને આ તસવીરોએ ફેન્સને લગ્ન માટે વધુ ઉત્સાહિત કરી દીધા છે.
23 જાન્યુઆરીના રોજ કરશે લગ્ન
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 23 જાન્યુઆરી, 2023ના રોજ લગ્નના બંધનમાં બંધાશે. હાલમાં આ લગ્નના સમાચારને કપલ અથવા તેમના પરિવાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. ક્રિકેટર અને અભિનેતાની આ જોડી આથિયાના પિતા સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં લગ્ન કરશે. આ ફોટોમાં દેખાતું આલીશાન ઘર કપલના લગ્નનું સ્થળ છે.
ખંડાલામાં છે સુનીલ શેટ્ટીનું ફાર્મહાઉસ
સુનીલ શેટ્ટીનું આ સુંદર ફાર્મહાઉસ મુંબઈમાં નથી પરંતુ મુંબઈથી થોડે દૂર ખંડાલામાં છે. આ ફોટામાં તમે જોઈ શકો છો કે આ પ્રોપર્ટી અંદરથી કેવી દેખાય છે. આથિયા અને કેએલના લગ્નમાં ક્રિકેટ અને મનોરંજન ઉદ્યોગના ટોચના સ્ટાર્સ હાજરી આપી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન ખૂબ જ નાનો પ્રસંગ હશે જેમાં ફક્ત દંપતીના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહેશે. તેમના લગ્નના સમાચારો પરથી લાગે છે કે આ સેલિબ્રિટી કપલ પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જેમ લગ્ન કરી રહ્યું છે.
3 દિવસ ચાલશે લગ્નનું ફંક્શન
તેમના લગ્નનું ફંક્શન 3 દિવસ સુધી ચાલશે. લગ્નની તમામ વિધિ 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી વચ્ચે કરવામાં આવશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં 21-22ના રોજ હલ્દી-મહેંદી અને સંગીત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. તો બીજી બાજુ 23 જાન્યુઆરીએ આથિયા અને રાહુલ સાત ફેરા લીધા પછી હંમેશા માટે એકબીજા સાથે રહેશે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ તમામ ધાર્મિક વિધિઓ સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલામાં કરવામાં આવશે.