રાજકારણ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે ઊંડો સંબંધ ધરાવતા એનસીપી નેતા બાબા સિદ્દીકી હવે આપણી વચ્ચે નથી રહ્યા. બાબા સિદ્દીકીની ગત રાત્રે એટલે કે શનિવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ મામલે ખૂબ જ ઝડપથી અને ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. બાબા સિદ્દીકીના મોતથી બોલીવુડમાં પણ હેરાન છે. એ વાત પણ સામે આવી છે કે બાબા સિદ્દીકીની હત્યા પાછળનું કારણ તેની સલમાન ખાન સાથેની નિકટતા છે.
સલમાન ખાનની નિકટતાના કારણે મોતનું કારણ?
અજાણ્યા હુમલાખોરોએ બાબા સિદ્દીકી પર અચાનક ગોળીબાર કર્યો અને આ ઘટનામાં બાબા સિદ્દીકીએ જીવ ગુમાવ્યો. ગોળીઓ સિદ્દીકીના શરીરમાંથી પસાર થઈ ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં ઘણા ખુલાસા કર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બાબા સિદ્દીકીની હત્યાનું કારણ સલમાન ખાન સાથે તેની ગાઢ મિત્રતા હોઈ શકે છે. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બધું સલમાન ખાનને ડરાવવા માટે કરવામાં આવ્યું છે.
આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ આવ્યું સામે
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સલમાન ખાનને સમયાંતરે જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે. આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં ભાઈજાનના ઘરે પણ ફાયરિંગ થયું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન સાથે સિદ્દીકીની ગાઢ મિત્રતા તેમને મોંઘી પડી. બંને વચ્ચે ઊંડો સંબંધ હતો અને સિદ્દીકીને તેની કિંમત પોતાના જીવથી ચૂકવવી પડી હતી. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે આ હત્યાનો તાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલો છે.
અત્યારે કંઈપણ કહેવું મુશ્કેલ
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યા કરાવી છે. પરંતુ અત્યારે સત્તાવાર રીતે કંઈ કહેવું મુશ્કેલ છે કારણ કે આવી અટકળો લગાવવામાં આવી રહી છે અને અટકળોના આધારે કંઈપણ પુષ્ટિ થઈ શકે તેમ નથી. આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર અહેવાલો પર આધારિત છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
શું આવશે કેસમાં નવો વળાંક?
આ હત્યાનો મામલો ઉકેલવામાં પોલીસ કેટલો સમય લેશે તે જોવું રહ્યું. કેસમાં શું નવો વળાંક આવી શકે છે તે તો સમય સાથે જ ખબર પડશે, પરંતુ બાબા સિદ્દીકીના મૃત્યુથી દરેક હેરાન છે. લોકોને આ વાત પર વિશ્વાસ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ સલમાન ખાન પણ કડક સુરક્ષા વચ્ચે જોવા મળી રહ્યો છે.