- બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને મારવા માટે 25 લાખ રૂપિયાની સોપારી લીધી
- સિદ્ધુ મૂઝવાલાની જેમ સલમાન ખાનની હત્યાને અંજામ આપવાનો પ્લાન
- મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના 5 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
બોલીવુડ સુપરસ્ટારના ઘરની બહાર થયેલા ફાયરિંગની ઘટનાએ તમામ લોકોને ચોંકાવી દીધા હતા અને આ મામલે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ કેસની તપાસ કરી રહેલી નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના 5 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે જેમની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સિદ્ધુ મૂઝવાલાની જેમ આ હત્યાને અંજામ આપવાનો પ્લાન હતો.
સલમાન ખાનની હત્યા માટે 25 લાખની સોપારી
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ચાર્જશીટ મુજબ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને મારવા માટે 25 લાખ રૂપિયાની સોપારી લીધી હતી. આરોપીઓ પાકિસ્તાનમાંથી આધુનિક હથિયારો AK 47, AK 92 અને M 16 તેમજ તુર્કી બનાવટની ઝિગાના પિસ્તોલ ખરીદવાની તૈયારીમાં હતા. જીગાના એ જ હથિયાર છે જેના વડે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ આ હથિયારોનો ઉપયોગ કરીને બોલીવુડ અભિનેતા સલમાનની હત્યા કરવા માંગતા હતા.
સલમાનની દરેક હિલચાલ પર બાજ નજર
પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું છે કે સલમાન ખાનને મારવાની યોજના ઓગસ્ટ 2023થી એપ્રિલ 2024 વચ્ચે બનાવવામાં આવી હતી. પોલીસે એ પણ જણાવ્યું કે લગભગ 60 થી 70 લોકો સલમાન ખાનની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે તે બધા સલમાનના મુંબઈ સ્થિત ઘર, પનવેલ સ્થિત તેના ફાર્મ હાઉસ અને ગોરેગાંવ ફિલ્મ સિટીથી તેની દરેક હિલચાલ પર નજર રાખતા હતા.
પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું છે કે આરોપીઓએ સલમાનની હત્યા કરવા માટે 18 વર્ષથી નીચેના છોકરાઓને રાખ્યા હતા. પોલીસે એ પણ જણાવ્યું હતું કે તમામ શૂટર્સ ગોલ્ડી બ્રાર અને અનમોલ બિશ્નોઈના આદેશની રાહ જોઈ રહ્યા હતા. ઓર્ડર મળતાની સાથે જ તે પાકિસ્તાનથી લાવવામાં આવેલા આધુનિક હથિયારોનો ઉપયોગ કરીને સલમાન પર હુમલો કરશે. આ તમામ શૂટર્સ પુણે, રાયગઢ, નવી મુંબઈ, થાણે અને ગુજરાતમાં છુપાયેલા હતા.
આ કેસમાં પોલીસે 4 જૂને સલમાનનું નિવેદન પણ નોંધ્યું હતું. અરબાઝ ખાનનું નિવેદન 4 પેજમાં જ્યારે સલમાન ખાનનું નિવેદન 9 પેજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, સલમાને પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું કે ઘટનાની રાત્રે તેના ઘરે પાર્ટી હતી જેના કારણે તે મોડા સૂઈ ગયો અને સવારે ગોળીબારનો અવાજ સાંભળીને જાગી ગયો હતો.