તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે દક્ષિણના પ્રખ્યાત અભિનેતા જુનિયર એનટીઆર અને દિગ્દર્શક એસએસ રાજામૌલી 'ભારતીય સિનેમાના પિતા' તરીકે ઓળખાતા દાદા સાહેબ ફાળકે પર એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.
હવે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાન અને જાણીતા દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ આ ફિલ્મ બનાવાની જાહેરાત કરી છે. 'થ્રી ઇડિયટ્સ' અને 'પીકે' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા પછી, આમિર અને રાજકુમાર સાથે મળીને દાદાસાહેબ ફાળકેની જીવનચરિત્રને પડદા પર લાવવા જઈ રહ્યા છે. દાદા સાહેબ ફાળકેના પૌત્ર ચંદ્રશેખર પુસાલકરે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
ફિલ્મની સ્ટોરી શું હશે?
દાદાસાહેબ ફાળકેના જીવન પર બનનારી ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, રાજકુમાર હિરાણી દિગ્દર્શનની જવાબદારી સંભાળશે. આ સ્વતંત્રતા સંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે. જેમાં દાદા સાહેબ દ્વારા ભારતીય ફિલ્મ ઉદ્યોગની શરૂઆત બતાવવામાં આવશે.
સોશિયલ મીડિયા પર માહિતી આપતાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે લખ્યું, દાદાસાહેબ ફાળકેની બાયોપિક માટે આમિર ખાન અને રાજકુમાર હિરાની સાથે આવ્યા છે. આમિર અને રાજકુમાર હિરાની ફરી સાથે કામ કરશે અને આ વખતે તેઓ ભારતીય સિનેમાના પિતા દાદાસાહેબ ફાળકેની બાયોપિક લઈને આવી રહ્યા છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત, આ ફિલ્મ ભારતીય સિનેમાનો પાયો નાખનાર માણસની સફર દર્શાવશે.
દાદાસાહેબ ફાળકેના પૌત્રે શું કહ્યું?
દાદાસાહેબ ફાળકેના પૌત્ર ચંદ્રશેખર પુસાલકરે પણ આ દિગ્ગજ વ્યક્તિત્વ પર બાયોપિક બનાવવાની પુષ્ટિ કરી છે. જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, અમને ખૂબ આનંદ છે કે આમિર ખાન અને રાજકુમાર હિરાણી દાદા સાહેબ ફાળકે પર બાયોપિક બનાવી રહ્યા છે, જેની ખૂબ જ જરૂર હતી. ચંદ્રશેખરને પૂછવામાં આવ્યું કે શું તેમને તેમના દાદા પર ફિલ્મ બનવાની વાત અગાઉથી ખબર હતી? આ અંગે તેમણે કહ્યું, મને આ વાતની જાણ નહોતી પરંતુ રાજકુમાર હિરાનીની ટીમના લોકો મને થોડા વર્ષો પહેલા મળ્યા હતા. તેમણે આગળ કહ્યું, સહાયક નિર્માતા હિન્દુકુશ ભારદ્વાજ છેલ્લા ત્રણ વર્ષથી મારા સંપર્કમાં હતા અને તેમની સખત મહેનત અને ફિલ્મ પર ઊંડા સંશોધન પછી મેં કહ્યું કે તમે ફિલ્મ બનાવવા માટે આગળ વધી શકો છો.
શૂટિંગ ક્યારે શરૂ થશે?
હાલમાં ફિલ્મ અંગે બંને તરફથી કોઈ ઉતાવળ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાદાસાહેબ ફાળકેની બાયોપિક ઓક્ટોબર 2025 માં ફ્લોર પર આવશે. હાલમાં આમિર ખાન તેની ફિલ્મ 'સિતારે જમીન પર' માટે ચર્ચામાં છે. આ ફિલ્મ રિલીઝ થયા પછી, આમિર દાદા સાહેબ ફાળકેની બાયોપિક પર કામ શરૂ કરશે.