ઐશ્વર્યા રાય બચ્ચન અવારનવાર ચર્ચામાં રહે છે. 26 માર્ચે તેમની કારને પાછળથી એક બસે ટક્કર મારી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રાહતની વાત એ હતી કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તે સમયે ઐશ્વર્યા રાય પણ કારમાં ન હતી. કારને પણ કોઈ ગંભીર નુકસાન થયું નથી.
શું બાઉન્સરે ડ્રાઈવરને માર્યા લાફો?
પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ઐશ્વર્યા રાય બચ્ચનના એક બાઉન્સરે કથિત રીતે તે બસ ડ્રાઈવરને થપ્પડ મારી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કારની ટક્કર પછી અમિતાભ બચ્ચનના ઘરના બાઉન્સરે બસ ડ્રાઈવર સાથે વાત કરી હતી અને તેને થપ્પડ પણ મારી હતી. બસ ડ્રાઈવરે 100 નંબર પર ફોન કરીને પોલીસને ફોન કર્યો.
જુહુ પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા મુજબ બસ ડ્રાઈવર સતત હોર્ન વગાડી રહ્યો હતો, જેના કારણે લક્ઝરી કારનો ડ્રાઈવર નીચે ઉતર્યો અને તેનું કારણ પૂછ્યું. પરંતુ તે કોઈ મોટી દુર્ઘટના નહોતી અને પરિસ્થિતિ ટૂંક સમયમાં કાબુમાં આવી ગઈ.
ડ્રાઈવરે નોંધાવી નથી કોઈ ફરિયાદ
મીડિયા રિપોર્ટ મુજબ બંગલાના સુપરવાઈઝર ઘટનાસ્થળે પહોંચ્યા અને બાઉન્સર તરફથી ડ્રાઈવરની માફી માંગી. આ પછી મામલો ઉકેલાઈ ગયો અને ડ્રાઈવરે કોઈ ફરિયાદ નોંધાવી નહીં. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી અટકળોને આધારે લખવામાં આવ્યા છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ ઘટના અંગે ઐશ્વર્યા રાય બચ્ચન કે તેના પરિવાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ આ સમાચાર ફેલાતા જ ચાહકો ઐશ્વર્યાની સલામતી અંગે ચિંતિત થઈ ગયા. મળતી માહિતી મુજબ, એક્ટ્રેસ હાલમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
આ ફિલ્મમાં જોવા મળી હતી ઐશ્વર્યા રાય બચ્ચન
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઐશ્વર્યા રાય બચ્ચને હજુ સુધી પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. તે છેલ્લે મણિરત્નમની ફિલ્મ પોન્નીયિન સેલ્વન 2 માં જોવા મળી હતી. આ પીરિયડ ડ્રામા પછી તેને હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. ઐશ્વર્યા એવોર્ડ ફંક્શન અને ફેશન ઈવેન્ટ્સમાં હાજરી આપતી જોવા મળે છે.