સાઉથ અને બોલીવુડ ફિલ્મોના ફેમસ કોરિયોગ્રાફર શેખ જાની બાશા, જાની માસ્ટર તરીકે વધુ જાણીતા છે. 'સ્ત્રી 2'ના સુપરહિટ ગીત 'આઈ નહીં' માટે ચર્ચામાં રહેલા જાની માસ્ટરની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. જ્યારથી તેનું નામ રેપ કેસમાં સામે આવ્યું છે. તે ચર્ચામાં રહે છે. આ દરમિયાન, કોરિયોગ્રાફરને મોટો ઝટકો લાગ્યો છે, તેના પર લાગેલા રેપ કેસના આરોપોને કારણે તેને નેશનલ એવોર્ડ ગુમાવ્યો છે. જાની માસ્ટરની આ મહિનાની શરૂઆતમાં ગોવામાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ સંબંધિત આરોપમાં 19 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.


જાની માસ્ટરને નેશનલ એવોર્ડ નહીં મળે

જાની માસ્ટરનું નામ 'મેઘમ કરુક્કથા' ગીત માટે 'બેસ્ટ કોરિયોગ્રાફી કેટેગરીમાં નેશનલ એવોર્ડની લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સેલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે જાની માસ્ટર માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 21 વર્ષીય મહિલાએ કોરિયોગ્રાફર વિરુદ્ધ હૈદરાબાદના રાયદુરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે બાદ તે જેલમાં છે.

જાની માસ્ટરને એવોર્ડ ઈવેન્ટમાં એન્ટ્રી નહીં મળે

આ સિવાય નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે જાની માસ્ટરને આપવામાં આવેલ આમંત્રણ પણ રદ્દ કરવામાં આવ્યું છે. જાનીના હાથમાંથી નેશનલ એવોર્ડ તો ગયો જ પરંતુ આ ઈવેન્ટમાં ભાગ લેવાની તક પણ તેને નહીં મળે. આવી પરિસ્થિતિમાં રેપ કેસના આરોપી જાની માસ્ટરને મોટો ઝટકો લાગ્યો છે.

જાની માસ્ટર પર ગંભીર આરોપ

4 ઓક્ટોબરે, જાની માસ્ટરને 6 થી 10 ઓક્ટોબર સુધી કામચલાઉ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા, આ શરતે કે તે 10 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં કોર્ટમાં આત્મસમર્પણ કરશે. આ વચગાળાના જામીનનો હેતુ કોરિયોગ્રાફરને 8 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપવાનો હતો, જ્યાં તેને ધનુષ સ્ટારર ફિલ્મ 'થિરુચિત્રમ્બલમ'માં તેના કામ માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ મળવાનો હતો. હજુ સુધી તેમના કામચલાઉ જામીન અંગે કોઈ નવી અપડેટ આવી નથી. મધ્યપ્રદેશની 21 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદ બાદ જાની માસ્ટરની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે જાની માસ્ટરે જો તેણે આ ઘટના અંગે ફરિયાદ કરી તો તેને શારીરિક હિંસા કરવાની ધમકી આપી હતી અને ફોટોશૂટ અને રિહર્સલ દરમિયાન માનસિક ત્રાસ આપ્યો હતો.

  • Follow us on: