બોલીવુડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર ભલે હવે ફિલ્મોથી દૂર હોય પરંતુ તેઓ તેમના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેતા તેમની એક મોંઘીદાટ જમીન વેંચવાને કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, અભિનેતાએ હાલમાં જ તેમની અંધેરી મિલકત વેચી દીધી છે. જમીનનો સોદો મે 2025માં થયો હતો. જીતેન્દ્ર અને તેમના પરિવારને આમાંથી કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. અભિનેતા જીતેન્દ્રની નેટવર્થ રૂપિયા 1512 કરોડ થઈ છે.
જીતેન્દ્રએ 855 કરોડની પ્રોપર્ટી વેચી
દેશની આર્થિક રાજધાની મુંબઈના ચમકતા રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ફિલ્મ ઉદ્યોગના 'જમ્પિંગ જેક' તરીકે જાણીતા જીતેન્દ્ર અને તેમના પરિવારે અંધેરીના પોશ વિસ્તારમાં સ્થિત બે મુખ્ય વ્યાપારી પ્લોટ 855 કરોડ રૂપિયામાં વેચી દીધા છે. આ સોદો હાલના વર્ષોમાં મુંબઈમાં સૌથી મોટા પ્રોપર્ટી સોદાઓમાંથી એક માનવામાં આવે છે.
જીતેન્દ્ર અને તેમના પરિવાર દ્વારા સંચાલિત બે કંપનીઓએ આ પ્લોટ NTT ડેટા સેન્ટર્સને વેચી દીધા છે. તે એક જાપાની બહુરાષ્ટ્રીય IT સેવા અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે જે ભારતમાં ઝડપથી તેની હાજરીનો વિસ્તાર કરી રહી છે. આ સોદાનો કુલ વિસ્તાર 2.39 એકર છે જેમાં બાલાજી IT પાર્ક નામનો એક કાર્યકારી પ્રોજેક્ટ પહેલાથી જ અસ્તિત્વમાં છે. તેના પર પહેલાથી જ 3 ઇમારતો અને કુલ 4.90 લાખ ચોરસ ફૂટનું બાંધકામ છે.
જીતેન્દ્રએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી
જીતેન્દ્રની અભિનય કારકિર્દી 1964માં આવેલી ફિલ્મ 'ગીત ગયા પથ્થરોં ને' થી શરૂ થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મ માટે તેમને 100 રૂપિયા ફી આપવામાં આવી હતી. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ અભિનેતાને ખરી ખ્યાતિ 1967માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફર્ઝ' થી મળી હતી. ત્યાર બાદ તેમણે પાછળ વળીને જોયું નહીં અને હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. આમાં 'હિમ્મતવાલા', 'થાનેદાર', 'ખુદગર્જ', 'તોહફા', 'મવાલી', 'ફર્ઝ ઔર કાનૂન', 'આશા', 'જીને કી રાહ', 'ધરમવીર', 'ઔર કરવાં'નો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે લગ્ન બાદ જીતેન્દ્ર બે બાળકોના પિતા બન્યા હતા. જેમાંથી પુત્ર તુષાર કપૂર પણ અભિનેતા બન્યો અને તેમની પુત્રી એકતા કપૂર ટીવી ઇન્ડસ્ટ્રીની ટોચની દિગ્દર્શિકા છે. તેમણે નાના પડદા પર ઘણા હિટ શો આપ્યા છે.