બોલિવૂડની સ્પષ્ટવક્તા અભિનેત્રી કંગના રણૌત Kangana Ranaut હંમેશા પોતાના બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. સાંસદ બન્યા પછી, તેના રાજકીય નિવેદનો પણ ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં જ તેણે માહિતી આપી છે કે હિમાચલ પ્રદેશના મનાલીમાં તેના ઘરે તેને 1 લાખ રૂપિયાનું ઈલેક્ટ્રિસીટી બિલ electricity bill આવ્યું છે, કંગના તે ઘરમાં રહેતી પણ નથી. આ સાથે તેણે રાજ્યની સત્તાધારી કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે.
કંગનાએ હિમાચલ પ્રદેશ સરકારને ઘેરી
તાજેતરમાં કંગનાએ હિમાચલ પ્રદેશના મંડીમાં એક રાજકીય કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે વીજળી બિલ વિશે વાત કરી હતી. તેણે વધુ પડતા બિલ માટે હિમાચલ પ્રદેશ સરકારની પણ ટીકા કરી છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
વીડિયોમાં કંગના કહેતી જોવા મળે છે કે આ મહિને, મને મનાલીમાં મારા ઘરનું 1 લાખ રૂપિયાનું વીજળી બિલ આવ્યું, જ્યાં હું રહેતી પણ નથી. હાલત ખૂબ જ ખરાબ છે. અમે વાંચીએ તો પણ શરમ અનુભવીએ છીએ કે આ દેશમાં શું થઈ રહ્યું છે, પરંતુ અમારી પાસે એક તક છે, તમે બધા જે મારા ભાઈઓ અને બહેનો છો, તમે લોકો ગ્રાઉન્ડ પર ખૂબ મહેનત કરો છો. આપણી જવાબદારી છે કે આપણે આ દેશને પ્રગતિના માર્ગ પર લઈ જઈએ. કંગનાએ રાજ્યની કોંગ્રેસ સરકારને ઘેરી લીધી અને કહ્યું કે આ વરુઓ છે, આપણે આપણા રાજ્યને તેમની પંજામાંથી બહાર કાઢવું પડશે.
કંગના રણૌતનું વર્ક ફ્રન્ટ
કંગના 2023માં ‘ચંદ્રમુખી 2’ અને ‘તેજસ’ ફિલ્મો પછી તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની બાયોપિક ‘ઈમર્જન્સી’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે અભિનય ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું હતું અને તેની નિર્માતા પણ હતી. આ ફિલ્મ 1975થી 1977 દરમિયાન તત્કાલિન કોંગ્રેસ સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરવામાં નિષ્ફળ ગઈ હતી. હવે OTTમાં નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.