મુંબઇમાં ભારે વરસાદના કારણે પાણીનો ભરાવો થાય છે. જેના કારણે મુંબઇવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે મુંબઇની મીઠી નદી સફાઇ અભિયાન હાથ ધરાયુ હતુ. જેમાં કરોડોના ટેન્ડર પાસ કરાયા હતા. પરંતુ હવે આ અભિયાનના સ્થાને કૌભાંડમાં ફેરવાયુ છે. મીઠી નદી સફાઇ કૌભાંડમાં અભિનેતા ડીનો મોરિયાનું નામ સામે આવતા તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ આ મામલે હવે આદિત્ય ઠાકરે પર પણ આરોપ લાગ્યો છે.
હવે આદિત્ય ઠાકરે પર લાગ્યા આરોપ
મીઠી નદી સફાઇ કૌભાંડ અંગે શિવસેના પ્રવક્તા સંજય નિરુપમે ઉદ્ધવ ઠાકરે જૂથ પર પ્રહાર કર્યા છે. તેઓએ આદિત્ય ઠાકરે અને તેમના મિત્ર તથા ફિલ્મ અભિનેતા ડીનો મોરિયા સામે આરોપ લગાવ્યા છે. સંજય નિરુપમે જણાવ્યુ છે કે, 26 મેના રોજ મુંબઇમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે મુંબઇના માર્ગો પર પાણી ભરાયુ હતુ. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે ઉદ્ધવ ઠાકરના પુત્ર આદિત્ય ઠાકરેએ જણાવ્યુ હતુ કે, શહેરમાં જે નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. તેમાં ભ્રષ્ટ્રાચાર થયો છે. પરંતુ આ તરફ, સંજય નિરુપમે જણાવ્યુ હતુ કે, પાણી ભરાવવાનું કારણ ગટર અને નદીમાં ગંદકીનું સામ્રજ્ય છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, 2005થી 2022 સુધી નદીની સાફ સફાઇ માટે 1200 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. અને તે બાદ પણ સ્થિતિ જેમની તેમ જ હતી. આ કૌભાંડની તપાસ EOW કરી રહી છે. સંજય નિરુપમે કહ્યુ હતુ કે, જ્યારે કરાર કરાયા હતા ત્યારે શિવસેનાની સરકાર હતી. ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેની પરવાનગી વિના કોઇને આ કરાર મળી શકતા નથી.
ડીનો મોરિયા પર પણ આરોપ
સંજય નિરુપમે જણાવ્યુ હતુ કે, મીઠી નદી સફાઇ કૌભાંડમાં ડીનો મોરિયાનું નામ સામે આવ્યુ છે. તેઓએ નાણાની લેવડ-દેવડ અંગે તપાસ ચાલી રહી છે. મહત્ત્વપૂર્ણ છે કે, કૌભાંડ મામલે તપાસની ગતિ તેજ થઇ છે. ડીનોના નામની સાથે તેના ભાઇનું નામ પણ વિવાદોમાં આવી રહ્યુ છે. હવે પોલીસ આગામી તપાસમાં શું કરે છે. તેના પર સૌ કોઇની નજર છે. ડીનો મોરિયાએ આગોતરા જામીન માટે અરજી કરી છે.