- ડાન્સિંગ કિંગ તરીકે બનાવી ચૂક્યા છે નામ
- સાડા ત્રણસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું
- એક સાથે 33 ફ્લોપ ફિલ્મો આપી હતી
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આજે કોઈ ઓળખની જરૂર નથી. બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપનાર આ ડાન્સિંગ કિંગ માટે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવું એટલું સરળ નહોતું. તો આજે મિથુન ચક્રવર્તીના જન્મદિવસ પર તેમના જીવન વિશે કેટલીક રસપ્રદ વાતો જાણી લેવી જરૂરી છે.
1950માં થયો મિથુનનો જન્મ
16 જૂન 1950ના રોજ જન્મેલા મિથુન ચક્રવર્તીએ હિન્દી ફિલ્મો સિવાય પંજાબી, ભોજપુરી, તમિલ અને તેલુગુ જેવી વિવિધ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. મિથુન ચક્રવર્તીએ 1976માં આવેલી ફિલ્મ 'મૃગયા'થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ તેમને ફિલ્મ 'ડિસ્કો ડાન્સર'થી સ્ટાર તરીકે ઓળખ મળી હતી. આ ફિલ્મ પછી તે બોલિવૂડમાં 'ડિસ્કો ડાન્સર' તરીકે પ્રખ્યાત થયા.
ખાવા માટે ન હતા રૂપિયાઃ મિથુન
એક ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે શરૂઆતના દિવસોમાં તેઓ પાણીની ટાંકીમાં સૂતા હતા. આટલું જ નહીં, તેમના જીવનમાં એક એવો સમયગાળો આવ્યો જ્યારે તેની પાસે ખાવા માટે પણ પૈસા નહોતા, પરંતુ અભિનેતાએ હાર ન માની. ફિલ્મોમાં હીરો તરીકે કામ કરતાં પહેલાં તે હેલનના આસિસ્ટન્ટ બન્યા અને ત્યાંથી તેમણે ડાન્સની બારીકીઓ શીખી હતી.
સાડા ત્રણસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું
મિથુન ચક્રવર્તીની ફિલ્મોની વાત કરીએ તો તેણે સાડા ત્રણસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેમણે એક સાથે 33 ફ્લોપ ફિલ્મો આપી હતી, પરંતુ તે પછી પણ તેને ફિલ્મોની ઓફર મળતી રહી. તેણે 'મૃગયા'થી લઈને 'સુરક્ષા' અને 'બોક્સર' સુધીની ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ સાબિત કરી. મિથુન ચક્રવર્તીના કરિયરમાં એક એવો સમય હતો જ્યારે લોકો સિનેમા હોલમાં તેમનું નામ જોઈને જ આવતા હતા.
ફિલ્મો સિવાય મિથુન ચક્રવર્તી ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે. દર્શકોએ તેને તેની દરેક શૈલી માટે પ્રેમ કર્યો છે. આજે પણ બોલિવૂડમાં જો કોઈ ડાન્સિંગ હીરોનો ઉલ્લેખ કરવામાં આવે તો મિથુનનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. 'ડિસ્કો ડાન્સર'માં તેણે ભજવેલું 'જીમી' પાત્ર આજે પણ દર્શકોને યાદ છે.
કોણ કોણ છે પરિવારમાં
મિથુનના પિતાનું નામ બસંતકુમાર ચક્રવર્તી છે તો માતાનું નામ સંતીરાણી ચક્રવર્તી છે. મિથુનને 1 બહેન છે. તે છે હેલેન લ્યૂક ડિવોર્સી છે. મિથુનની પત્નીનું નામ યોગિતા બાલી છે. આ બંનેના સંતાનોની વાત કરીએ તો તેમાં રિમોહ, નમાશી, દિશાની, મિમોહનો સમાવેશ થાય છે. મિમોહના લગ્ન મદાલસા શર્મા સાથે થયા છે.