બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે જાણીતા સુપરસ્ટાર આમિર ખાન અવારનવાર પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ મીડિયાની હેડલાઈન્સમાં રહે છે. હાલમાં સોશિયલ મીડિયા અને સિનેમા જગતમાં તેમના ત્રીજા લગ્નને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે ચાહકો એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે કે બોલિવૂડમાં દાયકાઓથી રાજ કરી રહેલા આમિર ખાન વૈભવી જીવન પાછળ કેટલો ખર્ચ કરે છે અને તેમની કુલ સંપત્તિ (Net Worth) કેટલી છે. વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરનારા આમિર ખાન કમાણી અને મોંઘી લાઈફસ્ટાઈલના મામલામાં બોલિવૂડના અન્ય કલાકારોને જોરદાર ટક્કર આપે છે.
કુલ નેટવર્થ આશરે 1500થી 1800 કરોડ
રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાનની કુલ નેટવર્થ આશરે 1500 કરોડથી 1800 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે. આમિર ખાન માત્ર એક્ટિંગથી જ નહીં, પરંતુ પોતાની પ્રોડક્શન હાઉસ 'આમિર ખાન પ્રોડક્શન્સ', બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ્સ દ્વારા પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે. તેઓ બોલિવૂડના એવા પ્રથમ કલાકારોમાંથી એક છે જેમણે ફિલ્મો માટે ફિક્સ ફી લેવાને બદલે ફિલ્મની કમાણીમાં મોટો પ્રોફિટ શેર (નફાનો હિસ્સો) લેવાનું શરૂ કર્યું હતું. તેઓ એક ફિલ્મ માટે આશરે 50 કરોડથી 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, અને જો ફિલ્મ સુપરહીટ જાય તો પ્રોફિટ શેરિંગ સાથે આ આંકડો ઘણો વધી જાય છે. જાહેરાતોની વાત કરીએ તો, આમિર એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 10 થી 12 કરોડ રૂપિયા લે છે.
