બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને પોતાના જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. 5 જુલાઈ, 2026ના રોજ આમિર ખાને પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન સમારોહ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે આમિરના ઘરે યોજાયો હતો, જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ ઉપસ્થિત રહ્યા હતા. આ દંપતીએ કાયદેસર રીતે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે.
લગ્નનો ફોટો થયો વાયરલ
લગ્નના પ્રથમ એક્સક્લુઝિવ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં આમિર અને ગૌરી અત્યંત સુંદર અને ખુશ દેખાઈ રહ્યા છે. આમિર ખાને લગ્ન માટે સફેદ રંગની ક્લાસિક શેરવાની પસંદ કરી હતી, જેની સાથે તેમણે ચશ્મા અને બ્રેસલેટ પહેરીને પોતાના લુકને પૂર્ણ કર્યો હતો. બીજી તરફ, દુલ્હન બનેલી ગૌરી પણ સફેદ ડ્રેસમાં ખૂબ જ આકર્ષક લાગતી હતી. તેણે ભારે ગળાનો હાર, સુંદર કાનની બુટ્ટીઓ અને સાઈડ-પાર્ટેડ વેણી સાથે પોતાનો બ્રાઈડલ લુક પૂર્ણ કર્યો હતો. હળવા મેકઅપમાં ગૌરીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું.
લગ્નના કાગળો પર કર્યા હસ્તાક્ષર
વાયરલ થયેલા ફોટામાં દંપતી ફ્લોર પર બેસીને લગ્નના કાગળો પર હસ્તાક્ષર કરતું જોવા મળે છે. આ ભાવુક ક્ષણે તેમની સાથે આમિરનો પુત્ર આઝાદ અને ગૌરીના પુત્રો પણ હાજર હતા. આમિરના પરિવારના સભ્યોની હાજરીમાં આ લગ્ન એક પારિવારિક ઉત્સવ જેવા લાગતા હતા. આ ખાસ પ્રસંગે ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકર તેમની પત્ની સાથે પહોંચ્યા હતા, જ્યારે અંબાણી પરિવાર પણ આ સમારોહમાં હાજરી આપી હતી.
https://twitter.com/PTI_News/status/2073683437815472167
આમિરની ભૂતકાળની સફર
આમિર ખાનના આ ત્રીજા લગ્ન છે. અગાઉ 1986માં તેમણે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, જે 16 વર્ષ બાદ 2002માં છૂટાછેડામાં પરિણમ્યા હતા. ત્યારબાદ 2005માં તેમણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા, જે પણ 16 વર્ષ ચાલ્યા. આમિર અને કિરણને આઝાદ નામનો પુત્ર છે. ખાસ વાત એ છે કે આમિર તેમના બંને પૂર્વ જીવનસાથીઓ સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખે છે.
બંનેની મિત્રતા 25 વર્ષ જૂની
ગૌરી અને આમિરની મિત્રતા લગભગ 25 વર્ષ જૂની છે. લાંબા સમયની ગાઢ મૈત્રીને પ્રેમમાં બદલીને, આખરે તેઓએ જીવનભર સાથ રહેવાનો નિર્ણય લીધો છે. આમિરે 2025માં પોતાના જન્મદિવસ પર આ સંબંધને સત્તાવાર જાહેર કર્યો હતો, ત્યારથી તેઓ સતત ચર્ચામાં હતા. હવે આ લગ્ન સાથે બંનેએ પોતાની નવી જિંદગીની ખુશીભરી શરૂઆત કરી છે. ચાહકો અને બોલિવૂડ જગત તરફથી આ નવા દંપતીને શુભેચ્છાઓ મળી રહી છે.
આ પણ વાંચોઃ Aamir Khan Net Worth: જાણો મિસ્ટર પરફેક્શનિસ્ટની કમાણી, કરોડોનું આલીશાન ઘર અને લક્ઝરી કાર કલેક્શન